પોલીસના મોબાઇલથી ફોન કર્યા એમાં ભાગી ગયેલો આરોપી ફરી પકડાઈ ગયો

06 September, 2023 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્સ્ટેબલ પર લોખંડના સળિયાથી હુમલો કરીને ફરાર થયેલા આરોપીની ફક્ત ૨૪ કલાકમાં ધરપકડ : પશ્ચિમ બંગાળ ભાગી જવાની તૈયારીમાં હતો

કૉન્સ્ટેબલ જયકુમાર રાઠોડ

મીરા રોડમાં પોલીસ પર હુમલો કરીને ફરાર થઈ ગયેલા એક આરોપીને સોમવારે મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો. આરોપી પશ્ચિમ બંગાળ ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ફક્ત ૨૪ કલાકની અંદર તેને પોલીસે ઝડપી લીધો હતો. સોમવારે મોડી રાતે ૧.૩૦ વાગ્યાની આસપાસ ક્રાઇમ બ્રાન્ચની સેન્ટ્રલ યુનિટ ઑફિસમાં જયકુમાર રાઠોડ નામના પોલીસ-કૉન્સ્ટેબલ પર લોખંડના સળિયા વડે હુમલો કરીને તે ફરાર થઈ ગયો હતો.

૨૭ વર્ષના હૈફત કાલુ અલીને ક્રાઇમ બ્રાન્ચના સેન્ટ્રલ યુનિટે દ્વારા મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓની ચોરીના સંબંધમાં અટકાયતમાં લીધો હતો. તેને પૂછપરછ કરવા માટે મીરા રોડમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની સેન્ટ્રલ યુનિટની ઑફિસમાં રાખવામાં આવ્યો હતો. એ વખતે બે પોલીસ-કર્મચારીઓ અનિલ નાગરે અને જયકુમાર રાઠોડ રાતે ડ્યુટી પર હતા. અનિલ નાગરે સોમવાર મધરાતે ખાવાનું લાવવા ગયો હતો એ સમયે આરોપી હૈફતે હાથમાં પહેરાવેલી હાથકડીમાંથી હાથ બહાર કાઢીને ખુરશીના લોખંડના સળિયા વડે જયકુમારના માથા પર જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલાથી જયકુમારને માથા પર માર લાગ્યો હોવાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે આરોપી હૈફત અલી ત્યાંથી ભાગતી વખતે જયકુમારનો મોબાઇલ ફોન છીનવીને લઈ ગયો હતો. પોલીસ પર હુમલો અને ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાંથી આરોપી ફરાર થઈ જવાથી ખળભળાટ મચી ગયો હતો. એથી પોલીસે પણ પોતાની પોલીસ ફોર્સ આરોપીને શોધવા માટે લગાડી હતી.

ફરાર થયેલા આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. દરમ્યાન, જયકુમાર રાઠોડના મોબાઇલ ફોનથી આરોપી હૈફતે કેટલાક લોકોને ફોન કર્યા હતા. એથી એ મુજબ પોલીસ તેનાં ઠેકાણાં (ટાવર લોકેશન)ની તપાસ કરી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાંથી નાસી છૂટ્યા બાદ તે અગાઉ થાણેમાં એક પરિચિત પાસે ગયો હતો.

ત્યાંથી તે સોમવારે રાતે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનથી પશ્ચિમ બંગાળ ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ-૧ના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર અવિરાજ કુરાડેએ માહિતી આપી હતી કે ‘મોબાઇલ ટાવર પરથી મળેલી માહિતી પ્રમાણે તે રેલવે સ્ટેશન પર આવી રહ્યો હોવાની માહિતી મળતાં જ અમે છટકું ગોઠવ્યું હતું. તે માલદા એક્સપ્રેસથી ભાગી જાય એ પહેલાં અમે તેની અટકાયત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કલમ ૩૦૭, ૩૯૪, ૩૫૩ અને ૩૩૩ હેઠળ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.’

મીરા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) રાહુલ પાટીલે કહ્યું હતું કે ‘આરોપી હૈફતને ગઈ કાલે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેને પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં તેણે જેની પાસે થાણેમાં આશરો લીધો હતો તેને પણ આરોપી બનાવીને તેની ધરપકડ કરવામાં આવશે.’

દરમ્યાન, હુમલામાં ઘાયલ થયેલા પોલીસ કૉન્સ્ટેબલ જયકુમાર રાઠોડની મીરા રોડની ખાનગી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હોવાથી તેની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. 

mira road mumbai police Crime News mumbai crime news west bengal mumbai mumbai news