23 August, 2024 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રોલીમાં અકસ્માત બાદ કારની ભંગાર જેવી હાલત થઈ હતી.
વિક્રોલીના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગુરુવારે મોડી રાતે સાડાબાર વાગ્યે થયેલા જીવલેણ અકસ્માતમાં વિક્રોલીના કન્નમવારનગરમાં રહેતા ૨૩ વર્ષના સિદ્ધાર્થ ઢગે અને ૨૯ વર્ષના રોહિત નિકમનાં મૃત્યુ થયાં હતાં. સ્પીડમાં કાર ચલાવતા સિદ્ધાર્થે કાબૂ ગુમાવતાં હાઇવે પર પ્રવીણ હોટેલની સામે કાર ફુટપાથ પરના ઝાડ સાથે અથડાઈ હતી જેને લીધે બેથી ત્રણ વાર પલટી ખાઈ જવાથી ઘટનાસ્થળે જ બન્ને મિત્રોનાં મૃત્યુ થયાં હોવાની પ્રાથમિક માહિતી મળ્યા બાદ પોલીસે મૃત્યુ પામેલા સિદ્ધાર્થ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માત બાદ હાઇવે પરથી પસાર થતા કેટલાક મુસાફરોએ બન્નેને કારમાંથી બહાર કાઢવાની કોશિશ કરવાની સાથે અમને આ ઘટનાની માહિતી આપી હતી એમ જણાવતાં વિક્રોલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ અકસ્માત વિક્રોલી-ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પ્રવીણ હોટેલની સામે રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ થયો હતો. સ્પીડમાં આવતી કાર ઝાડ સાથે અથડાઈને પલટી ખાઈ જતાં ડ્રાઇવર સિદ્ધાર્થ અને તેની બાજુમાં બેઠેલા તેના મિત્ર રોહિતને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ડૉક્ટરોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’