29 September, 2022 12:28 PM IST | Mumbai | Prakash Bambhrolia
શીતલનગરના ગ્રાઉન્ડમાં માટી નાખી દેવાથી આ વખતે રાસગરબા નથી થઈ શક્યા, પરંતુ માતાજીની સ્થાપના કરીને અહીં યોગ, ગેમ-શો વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
મીરા રોડના શીતલનગરમાં છેલ્લાં ૨૨ વર્ષથી યોજાતી ઍરકન્ડિશન્ડ નવરાત્રિનું આયોજન આ વખતે ખંડિત થયું છે. આરક્ષિત પ્લૉટમાં આ વર્ષે સ્થાનિક બિલ્ડરે જૉગિંગ ટ્રૅક બનાવવાથી અને વૃક્ષારોપણ કરી દેવાથી અહીં ગરબા રમવાનું મુશ્કેલ બન્યું છે. જોકે ૨૨ વર્ષથી નવરાત્રિનું આયોજન કરતા એકતા ગ્રુપ નવરાત્રિ મંડળે અહીં માતાજીની સ્થાપના કરી છે અને રાસગરબાને બદલે સ્પેશ્યલ ચાઇલ્ડ અને સિનિયર સિટિઝનો માટે વિવિધ આયોજન કર્યાં છે.
મીરા રોડના શીતલનગરમાં ગણપતિ મંદિર પાસેના રિઝર્વ પ્લૉટમાં વર્ષ ૨૦૦૦થી એસી નવરાત્રિનું આયોજન એકતા ગ્રુપ નવરાત્રિ મંડળ દ્વારા કરવામાં આવે છે. મેદાનની ફરતે ઍરકન્ડિશનર મૂકવામાં આવે છે જેની ઠંડી હવામાં રાસરસિયાઓ ગરબે ઘૂમે છે. જોકે આ વર્ષે અહીં ગરબાનું આયોજન નથી થઈ શક્યું.
એકતા ગ્રુપ નવરાત્રિ મંડળના અધ્યક્ષ અને સ્થાનિક નગરસેવક રાજીવ મહેરાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શીતલનગરમાં ગાર્ડન અને જૉગિંગ ટ્રૅક હોવા છતાં આ રિઝર્વ પ્લૉટમાં સ્થાનિક બિલ્ડરે જૉગિંગ ટ્રૅક બનાવવાની સાથે મેદાનમાં રસ્તો બનાવવા માટેનું મટીરિયલ નાખી દીધું છે. અમે આનો વિરોધ કર્યો હતો. એમ છતાં આ કામ કરવામાં આવ્યું છે. મેદાન ઉબડખાબડ થઈ ગયું છે એટલે એમાં હવે દાંડિયારાસ રમી શકાય એવું નથી. બિલ્ડર અને કેટલાક લોકો ઇચ્છે છે કે અહીં નવરાત્રિનું આયોજન ન થાય, પરંતુ અમે અહીં આ વર્ષે પણ માતાજીની સ્થાપના કરી છે. ગરબા નથી રમી શકાતા એટલે સ્થાનિક રહેવાસીઓ નારાજ છે. જોકે અમે અહીં વિવિધ સ્થાનિક સંસ્થામાં રહેતાં સ્પેશ્યલ બાળકો અને સિનિયર સિટિઝનો માટે ગેમ-શો સહિતનાં આયોજનો આ વર્ષે કરી રહ્યા છીએ.’