20 November, 2023 02:09 PM IST | Mumbai | Rohit Parikh
ભારત મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા આયોજિત દિવાળી સ્નેહમિલનમાં હાજર રહેલા રાજનેતાઓ સાથે ચેમ્બરના અગ્રણીઓ
ભારત મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા આયોજિત દિવાળી સ્નેહમિલનમાં હાજર રહેલા રાજનેતાઓ સમક્ષ વેપારીઓએ રાજ્ય સરકારના જૂના વાયદા પ્રમાણે પ્રોફેશનલ ટૅક્સનો અંત લાવવાની માગણી કરી હતી. આ સાથે તેમણે પૈસાવસૂલીનો કારોબાર બંધ થાય એ માટે માથાડી ઍક્ટ હટાવવાની, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સમાં સરળીકરણ કરવાની અને કાલબાદેવીના ‘સી’ વૉર્ડના પુનઃવિકાસની માગણી કરી હતી. એની સામે આ રાજનેતાઓએ વેપારીઓને તેમનાથી બનશે એટલા સહાયરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું.
કપડાંના વેપારીઓથી બનેલી ભારત મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા શનિવારે સાંજે ચાર વાગ્યાથી કાલબાદેવીમાં આવેલા ભારત ચેમ્બર ભવનના જુગ્ગીલાલ પોદાર સભાગૃહમાં દીપાવલિ સ્નેહસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટીના વિકાસપ્રધાન મંગલ પ્રભાત લોઢા, દક્ષિણ મુંબઈના શિવસેનાના સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંત, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નગરસેવક આકાશ પુરોહિત, મકરંદ નાર્વેકર, રીટા મકવાણા, જનક સંઘવી જેવા અનેક રાજનેતાઓએ હાજરી આપી હતી. ચેમ્બરના અનેક અગ્રણી વેપારીઓ પણ હાજર રહ્યા હતા.
ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સંમેલનમાં હાજર રહેલા અગ્રણી રાજનેતાઓ સમક્ષ ચેમ્બરના અધ્યક્ષ નરેન્દ્ર પોદાર, ઉપાધ્યક્ષ મનોજ જાલન, મંત્રી અજય સિંઘાનિયા, નવીન બગડિયા, કોષાધ્યક્ષ વિષ્ણુ કેડિયા, વિજય લોહિયા, યોગેન્દ્ર રાજપુરિયા, પ્રકાશ કેડિયા, મહેન્દ્ર સોનાવત, આનંદ પ્રકાશ ગુપ્તા, આનંદ કેડિયા અને ગણપત કોઠાર સહિત અનેક અગ્રણી વેપારી નેતાઓએ રાજ્ય સરકારના જૂના વચનને યાદ અપાવીને પ્રોફેશનલ ટૅક્સ હટાવવાની માગણી કરી હતી. કાલબાદેવી અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી બિઝનેસ કરી રહેલા કપડાંના વેપારીઓ ઘણા સમયથી માથાડી કામગારો અને બનાવટી માથાડી કામગારોની ધાકધમકીઓનો શિકાર બની રહ્યા છે. માથાડી કામગારો માથાડી ઍક્ટનું મનસ્વી રીતે અર્થઘટન કરીને વેપારીઓને હેરાન કરી રહ્યા છે અને તેમની પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા છે. આવા માથાડી કામગાર નેતાઓ અને કામગારો સમક્ષ માથાડી બોર્ડમાં અને પોલીસ સ્ટેશનમાં ચેમ્બર અને વેપારીઓ દ્વારા ફરિયાદ કરવા છતાં વેપારીઓ તેમની હેરાનગતિમાંથી મુક્ત થતા નથી. આ સંજોગોમાં માથાડી ઍક્ટ હટાવીને સરકારે વેપારીઓને રાહત આપવી જોઈએ.’
રાજીવ સિંઘલે વધુમાં કહ્યું હતું કે ‘વેપારીઓ જીએસટીને પહેલા દિવસથી જ આવકારે છે, પણ હજી એમાં સરળીકરણ ન હોવાથી કાયદાકીય ઍક્શનનો ભોગ બની રહ્યા છે. આથી સરકારે વહેલી તકે જીએસટીમાં સરળીકરણ કરવાની વેપારીઓની માગ પર વિચારણા કરીને સરળીકરણ કરવાની જરૂર છે. સૌથી વધુ મહત્ત્વનું છે ‘સી’ વૉર્ડના પુનઃવિકાસનું. સદીઓ પહેલાંની કપડાં બજારો અત્યારે અનેક સિવિક સમસ્યાઓ, ગીચતા અને ટ્રાફિક-જૅમ જેવી સમસ્યા સામે લડી રહી છે. કપડાંના વેપારીઓ કોઈ પણ જાતના ડર, મૂંઝવણ અને ભય વગર તેમનો બિઝનેસ કરી શકે એ માટે અમે રજૂ કરેલી માગણીઓ પર વિચારણા કરીને વેપારીઓને જેટલી બને એટલી સહાય કરવા આગળ આવે તથા અમારી સમસ્યાઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરીને અમને રાહત આપે એવી અમે હાજર રહેલા નેતાઓ અને પ્રધાનો સમક્ષ રજૂઆત કરી હતી.’
અમારા સ્નેહમિલનમાં હાજર રહેલા નેતાઓએ અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવવા તેઓ બનતા પ્રયાસો કરશે એવી હૈયાધારણ આપીને અમને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી એમ જણાવીને રાજીવ સિંઘલે કહ્યું હતું કે એનાથી વેપારીવર્ગને નવા વર્ષમાં તેમનો વ્યાપાર શુભ-લાભ તરફ પ્રયાણ કરશે એવો અહેસાસ થયો હતો.