11 February, 2024 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક ઘોસાળકર
શિવસેનાના નેતા અભિષેક ઘોસાળકરની હત્યાના કેસનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેને ચાર ગોળી વાગી હોવાનું જણાયું હતું. પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાથી ત્રણ ગોળી અભિષેકના શરીરની આરપાર નીકળી ગઈ હતી, જ્યારે એક ગોળી તેના શરીરમાંથી મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે ફાયરિંગ કરીને આત્મહત્યા કરનાર મૉરિસ નૉરોન્હાના બૉડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની ધરપકડ કરીને તેની ૧૩ ફેબ્રુઆરી સુધીની કસ્ટડી મેળવી હતી.
અન્ય માહિતી મુજબ મૉરિસના બૉડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાએ ૨૦૦૩માં યુપીના ફુલપુરમાંથી ગનનું લાઇસન્સ લીધું હતું. તે મૉરિસને ત્યા જૉબ પર લાગ્યા બાદ તેની ગન મૉરિસની ઑફિસના ડ્રૉઅરમાં રહેતી હતી. એ જ ગનથી મૉરિસે અભિષેક ઘોસાળકરની હત્યા કરી હતી. અમરેન્દ્ર પર આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
અમરેન્દ્ર મિશ્રાના વકીલ શંભુ ઝાએ કહ્યું હતું કે ‘આ હાઈ પ્રોફાઇલ પૉલિટિકલ કેસ હોવાને કારણે અમરેન્દ્રને બલિનો બકરો બનાવાઈ રહ્યો છે. અમરેન્દ્રની ભૂલ એટલી છે કે તેણે તેની ગનનું લાઇસન્સ અહીં મુંબઈમાં રજિસ્ટર કરાવવું જોઈતું હતું જે નથી કરાવ્યું. પોલીસે તેની સામે કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધ્યો છે, પણ પોલીસે અમરેન્દ્રની એ હત્યામાં સંડોવણી હતી એ સંદર્ભે એક પણ ડૉક્યુમેન્ટ જમા કરાવ્યો નથી. વળી જ્યારે એ ઘટના બની ત્યારે તે ઘટનાસ્થળે હતો જ નહીં. વિડિયો ફુટેજમાં પણ ક્લિયર છે કે મૉરિસે એ હત્યા કરી અને તેણે પોતાને પણ એ જ ગનથી ગોળી મારી લીધી. આર્મ્સ ઍક્ટની કલમ ૨૯-બી હેઠળ માત્ર છ મહિનાની કેદની જોગવાઈ છે એ જ વધુમાં વધુ તેને લાગી શકે. જોકે હવે તેની સામે કલમ ૩૦૨ લગાડવામાં આવતાં તેને જામીન નહીં મળી શકે. અમે આ સંદર્ભે કોર્ટમાં અમારી રજૂઆત કરીશું. મને આશા છે કે કોર્ટ અમારી દલીલો માન્ય રાખશે અને અમારા અસીલને ન્યાય મળશે.