આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ ૧૪ જૂન સુધી લંબાઈ

16 March, 2024 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ આ સંદર્ભે ફેસબુક અને ટ્વિટર પર પણ પોસ્ટ મૂકીને લોકોને તારીખ લંબાવી હોવાનું જણાવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

સરકારે આધાર કાર્ડમાં ફ્રી ઑનલાઇન અપડેટ કરવા માટે પહેલાં ૧૪ માર્ચ સુધીની મુદત આપી હતી. જોકે એમાં છેલ્લા દિવસોમાં જે ભીડ જોવા મળી છે એ જોતાં હવે સરકારે આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરાવવાની તારીખ ત્રણ મહિના લંબાવીને ૧૪ જૂન કરી છે. આધાર કેન્દ્ર પર આ સુવિધા માટે પચાસ રૂપિયા ચાર્જ કરવામાં આવતા હોય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ આ સંદર્ભે ફેસબુક અને ટ્વિટર પર પણ પોસ્ટ મૂકીને લોકોને તારીખ લંબાવી હોવાનું જણાવ્યું છે એટલું જ નહીં, એ અપડેટ કરતી વખતે કયા-કયા ડૉક્યુમેન્ટ્સ સાથે રાખવા જેથી સમય વેડફાય નહીં અને તમે લૉગઆઉટ ન થઈ જાઓ એની પણ માહિતી આપી છે.

આધાર કાર્ડ અપડેટ કરવા માટે બે મહત્ત્વના દસ્તાવેજો જોઈતા હોય છે : એક, આઇડેન્ટિટી કાર્ડ અને બીજો, ઍડ્રેસનો પુરાવો. આઇડે​ન્ટિટી પ્રૂફ તરીકે મતદાર કાર્ડ વાપરી શકાય છે.

ઑનલાઇન આધાર કાર્ડ અપડેટ કઈ રીતે કરવું?

મોબાઇલ, પર્સનલ કમ્પ્યુટર કે પછી લૅપટૉપ પરથી પહેલાં UIDAIની વેબસાઇટ પર જવું. પછી અપડેટ આધારનો ઑપ્શન સિલેક્ટ કરવો. ત્યાં આધાર નંબર ફીડ કરી વન ટાઇમ પાસવર્ડ એટલે કે OTP આવે એ અપલોડ કરીને લૉગ-ઇન કરી શકાશે. એ પછી ડૉક્યુમેન્ટ અપડેટ પર ​ક્લિક કરીને વેરિફાય સિલેક્ટ કરવું. ત્યાર બાદ નીચે આપેલા ડ્રૉપ-​લિસ્ટમાંથી આઇડેન્ટિટી કાર્ડની સ્કૅન કરેલી કૉપી અને ઍડ્રેસનો પુરાવો અપલોડ કરવા. એ પછી તમને એક ​રિક્વેસ્ટ નંબર આપવામાં આવશે અને ફૉર્મ સબમિટ કરવામાં આવશે. તમે એ ​રિક્વેસ્ટ નંબરથી તમારું આધાર કાર્ડ અપડેટ થયું કે નહીં એ જાણી શકશો. થોડા દિવસ બાદ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે.

Aadhaar indian government mumbai mumbai news