18 November, 2025 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટની જીવદયા લેનમાં ન્યુ લાઇફ હૉસ્પિટલ નજીક સોની ખીમરાજ લાલજી જ્વેલર્સમાં દાગીના ખરીદવા આવેલી યુવતી હાથચાલાકી કરીને એક લાખ રૂપિયાની ચેઇન તફડાવી ગઈ હોવાની ફરિયાદ શુક્રવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. સોની ખીમરાજ લાલજી જ્વેલર્સના માલિક સુરેશ સોની દ્વારા દુકાનમાં રહેલા સ્ટૉકનું ઑડિટ કરવામાં આવતાં આઠ ગ્રામની એક ખોટી ચેઇન મળી આવી હતી. ત્યારે આઠ ગ્રામની એક ચેઇન ઓછી મળી આવતાં દુકાનમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવતાં ૧૯ ઑક્ટોબરે દાગીના ખરીદવા આવેલી યુવતી હાથચાલાકી કરતાં ઝડપાઈ ગઈ હતી. જ્વેલર્સ સાથે થતી સતત છેતરપિંડીના કિસ્સામાં કઈ રીતે સાવચેત રહેવું એના પ્રયાસ ઘાટકોપર જ્વેલર્સ અસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર મહિને દુકાનદારો દ્વારા દુકાનમાં રહેલા સ્ટૉકનું ઑડિટ કરવામાં આવતું હોય છે. એ મુજબ તાજેતરમાં સોની ખીમરાજ લાલજી જ્વેલર્સનું ઑડિટ કરવામાં આવ્યું હતું. આ ઑડિટમાં એક ખોટી ચેઇન પકડાઈ હતી, જ્યારે આઠ ગ્રામની એક ચેઇન સ્ટૉકમાં ઓછી મળી આવી હતી. ત્યાર બાદ દુકાનમાં લાગેલા CCTV કૅમેરાનાં છેલ્લા એક મહિનાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં જેમાં ૧૯ ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ચેઇન ખરીદવા આવેલી એક યુવતી ચેઇન જોતી વખતે હાથચાલાકી કરીને ખોટી ચેઇન રાખતી અને સાચી ચેઇન તફડાવતી જોવા મળી હતી. અંતે આવેલી યુવતીએ જ ચેઇન પડાવી લીધી હોવાની ખાતરી થતાં આ ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે ચેઇન ખરીદવા આવેલી યુવતીની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’
ઘાટકોપર જ્વેલર્સ અસોસિએશનના પ્રમુખ સુરેશ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિવિધ કાર્યપદ્ધતિ વાપરીને જ્વેલર્સના દાગીના પડાવી લેવાની ઘટનામાં છેલ્લા સમયમાં વધારો થતો જોવા મળ્યો છે ત્યારે તાજેતરમાં મારી દુકાનમાં થયેલી ઘટના બાદ અમે ઘાટકોપર વેસ્ટ અને ઈસ્ટના આશરે ૩૦૦ દુકાનોના માલિકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત જ્યારે કોઈ જ્વેલર સાથે આવો બનાવ બને ત્યારે એની માહિતી બીજા જ્વેલર્સને તાત્કાલિક આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે જેનાથી બીજા જ્વેલર્સ બચી શકે.’