મુંબઈ પોલીસની ભરતીમાં નાપાસ થયા બાદ બન્યો ચોર

07 February, 2024 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાલતી બાઇકથી કરવા લાગ્યો ચોરીઓ: વસઈ, નાલાસોપારા, અર્નાળામાં કરેલી ચોરીના ચાર કેસ ઉકેલાયા

પોલીસ ભરતીની પરીક્ષામાં નાપાસ થતાં ચોર બનેલા ચેઇન-સ્નૅચરને પોલીસે પકડી લીધો હતો.

ઘણા યુવાનો ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા અથવા મોજમસ્તી કરવા માટે ચેઇન-સ્નૅચિંગ અથવા ચોરી કરતા હોય છે, પરંતુ વસઈમાં પકડાયેલો એક યુવક પોલીસની ભરતીમાં નાપાસ થયા બાદ ચેઇન-સ્નૅચર બની ગયો હતો. રસપ્રદ વાત એ છે કે તે માત્ર ટૂ-વ્હીલર પર પસાર થતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન ચોરવાનું જોખમી કામ કરતો હતો. અંતે ક્રાઇમ બ્રાન્ચ-૩ની ટીમે તેની તપાસ કર્યા બાદ આ ચોરી પ્રકાશમાં આવી છે.

વિરારમાં ૨૫ જાન્યુઆરીએ ટૂ-વ્હીલર પર સવાર એક મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરાયું હતું. આ બનાવમાં વિશેષ વાત એ હતી કે ટૂ-વ્હીલર પર સ્પીડમાં આવી રહેલી મહિલાના ગળામાંથી ચેઇન-સ્નૅચર સોનાની ચેઇન ચોરી કરતો હતો. એથી સોનાની ચેઇન-ચોરીનું આ એક જોખમી અને નવું સ્વરૂપ હતું. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ-૩ને સોંપવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ અને ટેક્નિકલ માહિતીના આધારે તપાસ હાથ ધર્યા બાદ તલાસરીમાંથી ૨૮ વર્ષના અમિત શનવરની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ તેની તપાસ કરતાં વિરાર, નાલાસોપારા અને અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનની હદમાંથી તેણે કરેલી સોનાની ચેઇનચોરીના એકસાથે ચાર કેસ પ્રકાશમાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ-૩ની પોલીસ ટીમના પોલીસ અધિકારીઓની ટીમે આરોપીને પકડવામાં ભારે જહેમત ઉપાડી હોવાથી સફળતા મેળવી હતી.

આરોપી અમિત શનવર પોલીસ બનવા માગતો હતો. એ માટે તેણે મુંબઈ પોલીસ દળની ભરતી પ્રક્રિયામાં પરીક્ષા સુધ્ધાં આપી હતી, પરંતુ તે એમાં નિષ્ફળ ગયો હતો. આ નિષ્ફળતાને કારણે તે હતાશ થઈ ગયો હતો. પરિણામે તે વ્યસન કરવા લાગ્યો અને માથે દેવું કરી નાખ્યું હતું. એેને કારણે તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિનામાં તેણે સોનાની ચેઇનચોરીના ચાર ગુના કર્યા હતા. ટૂ-વ્હીલર પર મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર અને સોનાની ચેઇનની ચોરી કરવી એ ખૂબ જ મુશ્કેલ અને જોખમી કામ હતું. એને કારણે મહિલા બાઇક પરથી પડીને મૃત્યુ પામી શકે છે એમ પોલીસે પણ જણાવ્યું હતું.

mumbai news mumbai mumbai crime branch mumbai crime news vasai