પુણેમાં પોતાની સાથે કામ કરતી યુવતીની સરેઆમ હત્યા કરી દીધી વીફરેલા યુવાને

10 January, 2025 10:45 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ઉધાર લીધેલા રૂપિયા પાછા નહોતી આપતી એટલે પહેલાં હાથ કાપ્યો, પછી મારી નાખી

શુભદા પર વાર કરનાર કૃષ્ણાના હાથમાં ચૉપર હોવાથી લોકો તેની પાસે જતાં ડરતા હતા. હત્યા કરનાર કૃષ્ણા કનોજિયાને પકડીને લોકોએ પોલીસને સોંપ્યો હતો. ઉધાર પૈસા લીધા પછી પાછા ન આપનાર શુભદા કોદારેની હત્યા કરવામાં આવી હતી.

આરોપીના હાથમાં હથિયાર હોવાથી યુવતીને બચાવવા સિક્યૉરિટી ગાર્ડ સહિત કોઈ આગળ ન આવ્યું: ચૉપર નીચે મૂક્યું પછી બધા તૂટી પડ્યા

પુણેના યેરવડામાં આવેલા WNS બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) સેન્ટરમાં કામ કરતા કૃષ્ણા કનોજિયાએ તેની સાથે કામ કરતી ૨૮ વર્ષની શુભદા કોદારે પર સ્ટીલના ધારદાર ચૉપરથી કંપનીના પાર્કિંગ-એરિયામાં બુધવારે સાંજે ૭ વાગ્યે હુમલો કરી દીધો હતો. એમાં શુભદા ગંભીર રીતે જખમી થઈ હતી. તેને ત્યાર બાદ નજીકની સહ્યાદ્રિ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. સારવાર દરમ્યાન રાતે ૯.૧૫ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. યેરવડા પોલીસે કૃષ્ણાની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.

કૃષ્ણાએ ચૉપરથી શુભદા પર હુમલો કર્યો ત્યારે ત્યાં સિક્યૉરિટી સ્ટાફ સહિત બીજા ઘણાબધા લોકો હાજર હતા. એ વખતે કૃષ્ણાના હાથમાં જાડું ધારદાર ચૉપર હતું એટલે કોઈએ તેમની વચ્ચે પડવાની હિંમત નહોતી કરી. થોડી વાર બાદ કૃષ્ણાએ તેના હાથમાંનું ચૉપર જમીન પર સહેજ દૂર ફગાવી દેતાં સિક્યૉરિટીનો સ્ટાફ અને બીજા લોકો દોડી આવ્યા હતા અને કૃષ્ણાને ઝડપી લઈને તેની મારઝૂડ કરી હતી. એવું કહેવાય છે કે બન્ને વચ્ચે પૈસાને લઈને કોઈ વિવાદ હતો એમાં કૃષ્ણાએ ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું.

બન્ને જણ કંપનીના અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હતાં. એવું કહેવાઈ રહ્યું છે કે શુભદાએ કૃષ્ણા પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. પિતા બીમાર છે એમ કહીને શુભદાએ ક્યારેક ૫૦,૦૦૦ તો ક્યારેક ૨૫,૦૦૦ રૂપિયા એમ કરીને તેની પાસેથી થોડા-થોડા કરીને ૪ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એ પછી કૃષ્ણા પૈસા પાછા માગતો ત્યારે તે ટાળી દેતી હતી. એથી કૃષ્ણાને તેના પર શંકા ગઈ કે શુભદા તેને ખોટું કહી રહી છે એટલે તે શુભદાના ગામ કરાડ પહોંચી ગયો હતો. ત્યાં તેણે જોયું કે શુભદાના પિતા તો એકદમ સ્વસ્થ છે એટલે તેણે ફરી શુભદા પાસે પૈસાની માગણી કરી હતી. એ પછી શુભદાએ ૧.૨૦ લાખ રૂપિયા પાછા આપ્યા હતા. દરમ્યાન કૃષ્ણાને આંખમાં તકલીફ થઈ હતી અને એની ટ્રીટમેન્ટ કરાવવી પડે એમ હતી જે કૉસ્ટ્લી હતી. એથી તેણે એ માટે શુભદા પાસે પૈસા માગ્યા હતા. એમ છતાં શુભદાએ તેને પૈસા ન આપતાં તે વીફર્યો હતો અને શુભદા પર ચૉપરથી ઘા કરી દીધા હતા. બુધવારે શુભદા જૉબ પરથી છૂટીને ઘરે જવા પાર્કિંગમાં તેની ગાડી પાસે આવી રહી હતી ત્યારે કૃષ્ણાએ તેના પર હુમલો કર્યો હતો. તેણે પહેલાં શુભદાનો હાથ કાપી નાખ્યો હતો અને અન્ય ઘા પણ કર્યા હતા જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. 

mumbai news mumbai pune news murder case Crime News