સંસદસભ્યનું નામ વાપરીને મહિલા સાથે ગઠિયાઓએ કર્યું સાઇબર ફ્રૉડ

11 December, 2023 08:39 AM IST  |  Mumbai | Mehul Jethva

આધાર કાર્ડ બનાવવા માટે ગૂગલ પર મનોજ કોટકની ઑફિસનો નંબર ઑનલાઇન શોધવા જતાં વિક્રોલીની મહિલાએ ૧.૫૧ લાખ રૂપિયા ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઃ વિક્રોલીમાં રહેતી ૪૧ વર્ષની મહિલા આધાર કાર્ડ પર ઍડ્રેસ બદલવા માટે ગૂગલ પર સંસદસભ્ય મનોજ કોટકની ઑફિસનો નંબર શોધતી હતી. એ દરમ્યાન મળેલા નંબર પર સંપર્ક કરતાં સામેની વ્યક્તિએ સંસદસભ્યની ઑફિસમાંથી બોલું છું એમ કહી ઍડ્રેસ ઑનલાઇન બદલી કરવા માટે મહિલાને એક ઍપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરાવી મહિલાના ખાતામાંથી ૧.૫૧ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પૈસા કપાયા હોવાની માહિતી મહિલાને મળી ત્યારે આ ઘટનાની ફરિયાદ પાર્કસાઇટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
વિક્રોલીની એક સોસાયટીમાં રહેતી ૪૧ વર્ષ મીનુ ખન્નાએ કરેલી ફરિયાદ અનુસાર તેના આધાર કાર્ડ પર દેહરાદૂનનું સરનામું હોવાથી તે સરનામું અપડેટ કરવા માગતી હતી. તેણે એ માટે ૭ ડિસેમ્બરે ગૂગલ પર સંસદસભ્ય મનોજ કોટકની મુલુંડ ઑફિસનું ઍડ્રેસ સર્ચ કર્યું ત્યારે એક મોબાઇલ નંબર મળ્યો હતો. એ નંબર પર ફોન કરતાં સામેવાળી વ્યક્તિએ સંસદસભ્યના કાર્યાલયમાંથી બોલું છું એમ કહીને કૉલ ઉપરી અધિકારીને ટ્રાન્સફર કરી રહ્યો હોવાની જાણ કરી હતી. કૉલ ટ્રાન્સફર કર્યા બાદ સામેવાળી વ્યક્તિએ કહ્યું કે અમે તમારા આધાર કાર્ડ પર ઑનલાઇન ઍડ્રેસ ચેન્જ કરી દઈએ છીએ અને એના માટે તમારે તમારા મોબાઇલમાં એવિલડેસ્ક ઍપ ડાઉનલોડ કરવાની રહેશે. મહિલાએ તરત પોતાના મોબાઇલમાં ઍપ ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ સામેવાળી વ્યક્તિએ કહ્યું કે તમારી પેટીએમ ઍપ્લિકેશન ખોલીને તમારા ક્રેડિટ કાર્ડની વિગતો નાખો. એ નાખતાંની સાથે થોડી જ વારમાં મહિલાને ૧.૫૧ લાખ રૂપિયા ઉપાડાયા હોવાનો મેસેજ પ્રાપ્ત થયો હતો. મહિલાએ તરત જ આ ઘટનાની ફરિયાદ પાર્કસાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પાર્કસાઇટ પોલીસે કહ્યું હતું કે ‘આ કેસમાં સંસદસભ્યનું નામ વાપરીને ગઠિયાઓએ પૈસા પડાવી લીધા છે. વધુ તપાસ આ કેસમાં કરવામાં આવી રહી છે.’

mumbai news vikhroli maharashtra news