24 September, 2024 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુશાલભાઈ મનીષા પ્રાઇડ સોસાયટીમાં રહેતા હતા.
પોલીસે કસ્ટડીની માગણી ન કરી તેમ જ ખુશાલ દંડે સુસાઇડ-નોટ લખી ન હોવાથી કોર્ટે જામીન મંજૂર કર્યા હતા : તેમના જ બિલ્ડિંગમાં રહેતાં કુમકુમ મિશ્રાએ પાર્કિંગ મેળવવા માટે કથિત ધમકી આપી હોવાથી તેમની સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો છે
ગયા મહિને મુલુંડના સિનિયર સિટિઝન ખુશાલ દંડે લોકલ ટ્રેનની નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાથી આ કેસમાં મુલુંડ પોલીસે તેમના જ બિલ્ડિંગમાં રહેતાં કુમકુમ મિશ્રા નામનાં મહિલા સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધીને ગયા અઠવાડિયે તેમની ધરપકડ કરી હતી. જોકે આ ધરપકડના ગણતરીના કલાકોમાં જ કોર્ટમાંથી તેમને જામીન મળી જતાં એને લઈને પોલીસ સામે પ્રશ્ન થઈ રહ્યા છે.
મુલુંડ-વેસ્ટમાં જે. એન. રોડ પર મનીષા પ્રાઇડ નામની સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના ખુશાલ દંડનું પાર્કિંગ કુમકુમ મિશ્રાને જોઈતું હતું, પણ તેમણે ઇનકાર કરી દેતાં એ મેળવવા માટે તેણે ખુશાલભાઈને કથિત ધમકી આપી હતી કે જો પાર્કિંગ નહીં મળે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. એને લીધે બદનામીના ડરથી ગભરાઈ ગયેલા ખુશાલ દંડે સાતમી ઑગસ્ટે આત્મહત્યા કરી લીધી હતી.
હવે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં પોલીસે કસ્ટડી ન માગીને આ કેસમાં ગંભીરતા ન બતાવી હોવાથી તેમ જ ખુશાલભાઈએ કોઈ સુસાઇડ-નોટ લખી ન હોવાથી કોર્ટે આરોપીને જામીન આપી દીધા હતા. અત્યારે પોલીસ આ કેસમાં ટેક્નિકલ પુરાવા સાથે વધુ તપાસ કરી રહી છે.
કુમકુમ મિશ્રા સામે અમે આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધીને તેની તપાસ દરમ્યાન ધરપકડ કરી હતી એમ જણાવતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય જોશીએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખુશાલ દંડનું મનીષા પ્રાઇડ સોસાયટીમાં એક ફિક્સ પાર્કિંગ હતું જે કુમકુમને જોઈતું હતું. એ માટે કુમકુમે બે વાર ખુશાલ દંડ પાસે માગણી કરી હતી. જોકે એ આપવા માટેનો ખુશાલ દંડે ચોખ્ખા શબ્દોમાં ઇનકાર કર્યો હતો. અંતે કુમકુમે પાર્કિંગ લેવા માટે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો આરોપ પરિવારે કર્યો હતો અને એને લીધે જ ખુશાલ દંડે આત્મહત્યા કરી હોવાનો પણ પરિવારે આરોપ કર્યો છે. આ કેસમાં અમે સોસાયટીમાં રહેતા બીજા લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધી રહ્યા છીએ. આ ઉપરાંત અમે આ કેસમાં મજબૂત અને નક્કર પુરાવા પણ ભેગા કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આ કેસમાં ખુશાલ દંડે આત્મહત્યા કરતાં પહેલાં કોઈ સુસાઇડ-નોટ છોડી નહોતી એટલે તેમણે કુમકુમને કારણે જ આત્મહત્યા કરી છે એ આરોપને સિદ્ધ કરવા માટે વધુ તપાસ કરી રહ્યા છીએ.’
શું હતી ઘટના?
મૂળ કચ્છના લાખણિયાના અને મુલુંડમાં રહેતા દશા ઓસવાળ સમાજના ખુશાલ દંડ સાતમી ઑગસ્ટે રોજની જેમ સવારે પાંચ વાગ્યે દૂધ લેવા ઘરેથી નીકળ્યા હતા. તે ઘરે ન આવતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન રેલવે પોલીસને સવારે સાડાપાંચ વાગ્યે મુલુંડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પરના ટ્રૅક પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે તપાસ હાથ કરીને મોટરમૅનનું સ્ટેટમેન્ટ લીધું હતું. તેના જણાવ્યા અનુસાર ખુશાલભાઈ રેલવે-ટ્રૅક પર જઈને બેસી જતાં તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આત્મહત્યા પાછળના કારણ વિશે પરિવાર પાસેથી માહિતી લેતાં તેમણે આરોપ કર્યો હતો કે કુમકુમ મિશ્રાએ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત લિફ્ટમાં તેમની મારઝૂડ પણ કરી હતી. આ બધાથી ગભરાઈને બદનામીના ડરે ખુશાલભાઈએ આત્મહત્યા કરી હતી.