17 September, 2024 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં કોલશેત રોડ પર આવેલી હાઈ-પ્રોફાઇલ લોઢા અમારા સોસાયટીના સિક્યૉરિટી સુપરવાઇઝર ૩૦ વર્ષના સોમનાથ દેબીનાથની રવિવારે હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે સવારે પ્રકાશમાં આવ્યા બાદ કાપુરબાવડી પોલીસ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની શોધમાં લાગી છે. સોમનાથની હત્યા એ જ સોસાયટીના વૉચમૅન પ્રસાદ કદમે કરી હોવાના પ્રાથમિક અંદાજ અનુસાર તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોપીએ સોમનાથનું માથું તેના શરીરથી જુદું કરીને નિર્દયતાથી તેની હત્યા કરી હતી એમ જણાવતાં કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીરામ પોલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સોસાયટીનો એક વૉચમૅન ટેરેસ પર ગયો ત્યારે તેણે સોમનાથનું માથું ધડથી અલગ જોયું હતું.ત્યાર બાદ અમને જાણ કરવામાં આવતાં અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ કરતાં આ હત્યા રવિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ હત્યા સોસાયટીના એક વૉચમૅને જ કરી હોવાનું હાલમાં સામે આવ્યું છે અને આરોપીની અમે શોધ ચલાવી રહ્યા છીએ.’