25 September, 2024 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા વપરાતા ઘીમાં પશુઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનો મુદ્દો આખા દેશમાં ગાજી રહ્યો છે ત્યારે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના પૅકેટમાં ઉંદર ફરતા હોવાનો વિડિયો અને ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા એને લઈને પણ જબરદસ્ત ઊહાપોહ મચ્યો છે. આ વિડિયો બાદ મુંબઈની ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની એક ટીમ તાત્કાલિક સિદ્ધિવિનાયક મંદિરે પહોંચીને આ ઘટનાની તપાસમાં લાગી હતી. જોકે મંદિરના ટ્રસ્ટે આ ક્લિપ મંદિરની બહારની હોવાનો દાવો કર્યો હતો.
જે જગ્યાએ લાડુ તૈયાર કરવામાં આવે છે એ ખૂબ જ સ્વચ્છ રાખવામાં આવે છે એમ જણાવતાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના ચૅરમૅન સદાનંદ સરવણકરે જણાવ્યું હતું કે ‘વાદળી રંગના એક કન્ટેનરમાં રાખેલી પ્લાસ્ટિકની થેલીમાં ઉંદરો ફરતા હોવાનો વિડિયો મેં પણ જોયો હતો. એ વિડિયોમાં સિદ્ધિવિનાયક મંદિરના લાડુના પ્રસાદમાં ઉંદર હોવાની જાણકારી આપવામાં આવી હતી. જોકે આ તદ્દન ખોટી માહિતી છે. દિવસ દરમ્યાન લાખો લાડુનું વિતરણ મંદિરમાંથી કરવામાં આવે છે અને જે જગ્યાએ લાડુ તૈયાર કરવામાં આવે છે એ જગ્યા અને આસપાસનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ રાખવામાં આવે છે. આ વિડિયો સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ જ્યાં બને છે એ જગ્યાનો નથી. આ વિડિયો બહાર ક્યાંક રેકૉર્ડ કરવામાં આવ્યો છે. આમ છતાં અમે પણ આ ઘટનાની તપાસ કરીશું. આ ઉપરાંત મંદિરમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ પણ તપાસવામાં આવશે.’
આ ઘટનાનો વિડિયો ગઈ કાલે બહાર આવ્યા બાદ અમારી ટીમને તાત્કાલિક મંદિરમાં મોકલવામાં આવી હતી. હાલમાં આ ઘટનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે. મંદિરમાંથી વહેંચવામાં આવતો પ્રસાદ કઈ જગ્યા પર બને છે અને એને કોણ બનાવે છે એની માહિતી મેળવવામાં આવી રહી છે. - મહેશ ચૌધરી, FDAના ઍડિશનલ કમિશનર