શૅરમાર્કેટમાંથી ઝટપટ પ્રૉફિટ કમાવાની લાલચમાં NRI ગુજરાતી મહિલાએ ગુમાવ્યા ૫૧.૫૬ લાખ રૂપિયા

04 March, 2025 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા યુનાઇટેડ કિંગ્ડમમાં અકાઉન્ટન્ટની નોકરી કરે છે અને હાલમાં ત્યાં જ છે. તેના દિયરની ફરિયાદ બાદ અમે ગુનો નોંધ્યો છે

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણ-વેસ્ટની મહાજનવાડી નજીક પરિવાર ધરાવતી અને હાલમાં યુનાઇટેડ કિંગ્ડમ (UK)ના વૅટફોર્ડ વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષની ગુજરાતી અકાઉન્ટન્ટ મહિલાને ટૂંક સમયમાં શૅર-ટ્રેડિંગમાં મોટા પ્રૉફિટની લાલચ આપીને તેની પાસેથી ૫૧.૫૬ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ટ્રેડિંગના નામે જાન્યુઆરીની શરૂઆતથી ફેબ્રુઆરીના અંત સુધીમાં આશરે ૧૩ ટ્રાન્ઝૅક્શનમાં પૈસા લેવાયા હતા અને એની સામે એક કરોડ કરતાં વધારેનો પ્રૉફિટનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે મહિલાએ જ્યારે પ્રૉફિટ સાથેના રૂપિયા કઢાવવાની કોશિશ કરી ત્યારે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.

મહિલા યુનાઇટેડ કિંગ્ડમમાં અકાઉન્ટન્ટની નોકરી કરે છે અને હાલમાં ત્યાં જ છે. તેના દિયરની ફરિયાદ બાદ અમે ગુનો નોંધ્યો છે એમ જણાવતાં મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર સાબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમના દિયર પણ યુનાઇટેડ કિંગ્ડમમાં રહે છે. તેમનો આખો પરિવાર NRI છે. તેમની બૅન્ક કલ્યાણમાં હોવાની સાથે તેઓ મૂળ અહીંના હોવાથી ફરિયાદ કરવા ખાસ મુંબઈ આવ્યા છે. જાન્યુઆરીમાં ફરિયાદી મહિલાએ ફેસબુક સ્ક્રૉલ કરતી વખતે શૅર-ટ્રેડિંગ દ્વારા થતા મોટા પ્રૉફિટની જાહેરાત જોઈ હતી અને એના પર ક્લિક કરીને વધુ માહિતી મેળવવાની કોશિશ કરતાં મહિલાને IBKR Elite Circle નામના વૉટ્સઍપ-ગ્રુપમાં ઍડ કરવામાં આવી હતી, જેમાં સતત શૅર-ટ્રેડિંગમાં ભારે પ્રૉફિટ થયો હોય એવા દાવા સાથેના સ્ક્રીનશૉટ મોકલવામાં આવતા હતા એ જોઈને મહિલા પણ ઇન્વેસ્ટ કરવા તૈયાર થઈ હતી. તેણે જાન્યુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં ૫૧.૫૬ લાખ રૂપિયા અલગ-અલગ બૅન્ક-અકાઉન્ટમાં મોકલ્યા હતા, પણ જ્યારે મહિલા પોતાની મૂળ રકમ અને નફાના પૈસા કઢાવવા ગઈ ત્યારે એ માટે વધુ પૈસા ભરવાનું કહેવામાં આવ્યું હતું અને એને પગલે તેને છેતરપિંડીની જાણ થઈ હતી. ઘટના ભલે યુનાઇટેડ કિંગ્ડમમાં થઈ છે, પણ મહિલા અમારા વિસ્તારની છે એટલે અમે આ કેસ નોંધ્યો છે. આ કેસમાં જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એ તમામ અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે.’

kalyan whatsapp facebook Crime News mumbai crime news united kingdom mumbai police cyber crime news mumbai mumbai news finance news share market stock market