05 September, 2023 08:24 AM IST | Mumbai | Bakulesh Trivedi
ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે રૂપલ ઓગરે (ઉપર)ના હત્યારા વિક્રમ અટવાલને પકડી પાડ્યો હતો.
મુંબઈ ઃ જાણીતી ઍરલાઇન્સમાં ટ્રેઇની તરીકે ફરજ બજાવતી ૨૩ વર્ષની ઍરહૉસ્ટેસનો મૃતદેહ ગળું કપાયેલી અને લોહીલુહાણ હાલતમાં રવિવારે રાતે ૯.૩૦ વાગ્યે મળ્યો હતો. જોકે એ પહેલાં જ્યારે આરોપીએ તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેણે હિંમતથી તેનો સામનો કર્યો હતો, એટલું જ નહીં, પોતાની જાતને બચાવવા તેણે મરણિયા પ્રયાસ કર્યા હતા. તેણે આરોપીને લાફા માર્યા હતા અને પોતાનાથી દૂર રાખવા તેને નખ પણ માર્યા હતા અને બનતી દરેક કોશિશ કરી જોઈ હતી. જોકે આખરે આરોપીમાં વસેલા શેતાને તે વશમાં નથી આવી રહી એ જોતાં ગળું કાપીને તેની હત્યા કરી દીધી હતી. એ પછી તે નાસી ગયો હતો. જોકે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ઝડપી તપાસ શરૂ કરી આરોપી હત્યારાને બીજા જ દિવસે ઝડપી લીધો હતો.
બળાત્કારના પ્રયાસ અને ત્યાર બાદ હત્યાની આ હિચકારી ઘટના બાબતે માહિતી આપતાં પોલીસે કહ્યું કે ‘પવઈ પોલીસ-સ્ટેશનની હદમાંના અશોક નગરના એનજી પાર્કમાં રહેતી મૂળ છત્તીસગઢની ૨૩ વર્ષની રૂપલ ઓગરેનો હત્યા કરાયેલો મૃતદેહ રવિવારે રાતે મળ્યો હતો. રૂપલ એક જાણીતી ઍરલાઇન્સમાં ટ્રેઇની તરીકે કામ કરતી હતી. તે જે ફ્લૅટમાં રહેતી હતી એમાં તેની બહેન અને બહેનનો બૉયફ્રેન્ડ રહેતાં હતાં. બન્ને વતન ગયાં હતાં ત્યારે રવિવારે આ ઘટના બની હતી.
સાકીનાકાના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ ભારતકુમાર સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરનાર યુવતી તેની બહેન અને બહેનના બૉયફ્રેન્ડ સાથે રહેતી હતી. તેની બહેન અને તેનો બૉયફ્રેન્ડ છેલ્લા ૭ દિવસથી રાયપુર ગયાં હતાં. આરોપી વિક્રમ અટવાલ ૪૦ વર્ષનો છે અને એ જ કૉમ્પ્લેક્સમાં સફાઈકામ કરે છે અને તે પરણેલો છે. તેને બે દીકરી છે. છેલ્લા થોડા દિવસથી રૂપલ ઘરમાં એકલી છે એની જાણ વિક્રમને હતી એટલે તેણે તેને વશમાં કરવાનો પ્લાન બનાવ્યો હતો. જો વશમાં ન આવે તો તેને ડરાવી-ધમકાવીને વશમાં કરવા માટે તેણે નાળિયેર છોલવાનું ધારદાર ચાકુ પણ સાથે રાખ્યું હતું. રવિવારે બપોર બાદ તે રૂપલના ફ્લૅટમાં ગયો હતો અને ઘરની સાફસફાઈ કરવાના બહાને ઘરમાં દાખલ થયો હતો. ત્યાર બાદ રૂપલ પર તૂટી પડ્યો હતો. જોકે રૂપલે તેનો જોરદાર સામનો કર્યો હતો, જેમાં તેના ચહેરા અને હાથ પર નખ વાગ્યા હતા. એ દરમ્યાન તેને લાફા પણ માર્યા હતા. તેમની વચ્ચે ખાસ્સી ઝપાઝપી થઈ હતી. રૂપલે ઘણી હિંમત દાખવી હતી, પણ રૂપલ વશમાં નથી આવતી એ જોઈને તેને છોડી દેવાનો વિચાર કર્યો, પણ છોડી દેવાશે તો તે લોકોને જાણ કરી દેશે એટલે વિક્રમ તેને બાથરૂમમાં ખેંચી ગયો અને ધારદાર ચાકુ વડે તેનું ગળું કાપી નાખ્યું. એ પછી ત્યાંથી ચાલ્યો ગયો. તેણે ચાકુ કૉમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં ઝાડી-ઝાંખરામાં છુપાવી દીધું અને ઘરે ચાલ્યો ગયો.’
ઘરે પહોંચ્યા પછી તેની સાથે શું બન્યું એની વિગત આપતાં ભારતકુમાર સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘જ્યારે વિક્રમ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેને જોઈને તેની પત્નીને ખ્યાલ આવી ગયો કે તે કોઈક કાંડ કરીને આવ્યો છે. તેના ચહેરા અને હાથ પર નખ વાગ્યાનાં નિશાન હતાં. એ જોઈને તેની વાઇફ વીફરી અને પૂછ્યું કે તું શું કાંડ કરીને આવ્યો છે? જોકે પત્નીને શાંત પાડવા વિક્રમે તેને કહ્યું કે કાચ વાગ્યો છે. જોકે એમ છતાં વાઇફને તેના કહેવા પર ભરોસો નહોતો બેઠો. આટલું થયા પછી તે ગઈ કાલે સવારે રાબેતા મુજબ ફરી સાફસફાઈ માટે કૉમ્પ્લેક્સમાં આવ્યો હતો. તેને જોઈને રહેવાસીઓને નવાઈ લાગી હતી, કારણ કે ગઈ કાલે ફિટ દેખાતા વિક્રમના ચહેરા અને હાથ પર ઠેર-ઠેર ઉઝરડા પડ્યા હતા અને
તેને કોઈકે માર માર્યો હોય એવું દેખાતું હતું. એથી ત્યાંના લોકોને તેના પર શંકા ગઈ અને એક જણે પોલીસને કહ્યું કે વિક્રમના શરીર પર ઉઝરડા પડ્યા છે. એટલે અમે તરત જ તેને તાબામાં
લીધો અને પૂછપરછ કરી. પહેલાં તો
તેણે મચક નહોતી આપી અને ગલ્લાંતલ્લાં કરી રહ્યો હતો, પણ ત્યાર બાદ સઘન પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો અને શું બન્યું હતું એની વિગતો આપી હતી. અમે અત્યારે તેના પર હત્યા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છીએ. તેણે હત્યા કરવામાં વાપરેલું ચાકુ હસ્તગત કરાયું છે.’