ચોરી કરવા ત્રિપુરાથી ફ્લાઇટમાં ખાસ મુંબઈ આવતો ચોર પકડાયો

01 August, 2024 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોરીનો માલ વેચવા થાણે આવેલા આ ચોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

થાણેની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ પાંચની ટીમે ત્રિપુરામાંથી ફ્લાઇટમાં મુંબઈ ચોરી કરવા આવતા રાજુ મોહમ્મદ જેનલ શેખ ઉર્ફે બંગાળીની ૨૫ જુલાઈએ ધરપકડ કરીને તેની પાસેથી ચોરીના દાગીના અને રોકડ સહિત ૧.૧૩ લાખની માલમતા જપ્ત કરી છે. રાજુ સામે મુંબઈ અને થાણે સહિતનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ચોરીની સાતથી વધારે ફરિયાદો નોંધાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. રાજુ શેખે થાણેના શ્રીનગર પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા એક ખાલી ઘરને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. એની તપાસ દરમ્યાન રાજુ વાગળે એસ્ટેટ વિસ્તારમાં ચોરીના દાગીના વેચવા એક જ્વેલર પાસે આવવાનો હોવાની બાતમી અમને મળી હતી એમ જણાવતાં થાણેની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ પાંચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજુની ધરપકડ બાદ અમને જાણ થઈ હતી કે તે મૂળ ત્રિપુરાનો છે અને મુંબઈમાં ફ્લાઇટથી માત્ર ચોરી કરવા આવતો હતો. મુંબઈ આવીને તે જોગેશ્વરીમાં રોકાતો હતો. દિવસના સમયે રેકી કર્યો બાદ રાતે તે ચોરીને અંજામ આપતો હતો. હાલમાં તેની સામે મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં કેસો નોંધાયા હોવાની માહિતી અમને મળી છે. આ કેસની વધુ તપાસ શ્રીનગર પોલીસ-સ્ટેશન કરી રહ્યું છે.’

mumbai news mumbai thane crime thane mumbai crime branch mumbai police tripura