ચોર દેરાસરમાં ચોરી કરવા ઘૂસ્યો, પણ મહેનત માથે પડી

18 January, 2024 08:01 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ભાઈંદરના દેરાસરમાંથી તેને મળ્યા ફક્ત ૧૦૦૦ રૂપિયા જ!ઃ સ્ટેશન પરિસરમાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની રહેવાસીઓએ કરી માગણી

ભાઈંદરના આ દેરાસરમાં ચોરે ચોરી કરવા પહેલાં ગ્રિલ તોડી, દરવાજો તોડ્યો, કૅમેરાના વાયર કાઢી નાખ્યા છતાં હાથમાં આવ્યું ફક્ત હજાર રૂપિયાનું ચિલ્લર જ

મુંબઈ : ભાઈંદર-વેસ્ટમાં ૬૦ ફીટ રોડ પર આવેલા શ્રી ૧૦૦૮ મહાવીરસ્વામી ​દિગંબર જૈન મંદિરમાં એક ચોર મોટો સફાયો કરવા ઘૂસ્યો હતો, પરંતુ ભારે જહેમત બાદ પણ તેને મળ્યા ફક્ત ૧૦૦૦ રૂપિયા જ. સ્ટેશનની પાસે આવેલા આ જૈન મંદિરમાં કોઈ ચોરે ઘૂસીને ત્યાં રહેલી દાનપેટીમાંથી ચોરી કરવા જતાં એક હજાર રૂપિયાની રોકડ રકમ જ ચોરી શક્યો હતો, કારણ કે થોડા દિવસ પહેલાં જ દાનપેટી ખોલીને પૈસા કાઢી લેવામાં આવ્યા હતા. બે વખત દેરાસરમાં ચોરી થઈ હતી, પણ બન્ને વખત ચોર નિરાશ થઈને જ ગયો હતો.

શ્રી ૧૦૦૮ મહાવીરસ્વામી ​દિગંબર જૈન મંદિર સ્ટેશન પરિસર બાજુએ હોવાથી ત્યાંથી અવરજવર રહેતી હોય છે. દેરાસરની આગળ થોડા દિવસથી રસ્તા પર કામકાજ પણ ચાલી રહ્યું છે. મંગળવારે દેરાસરમાં આવ્યા બાદ જાણ થઈ કે ચોરી થઈ છે. દેરાસરમાંથી ચોરી કરવા માટે ચોરે એના પાછળના ભાગમાં આવેલી ગટરની બાજુએથી કૂદી ત્યાં રહેલી લોખંડની ગ્રિલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આટલી જહેમત કર્યા બાદ અંદર રહેલો એક દરવાજો તોડ્યા પછી ઑ​ફિસનો દરવાજો પણ તેણે તોડી નાખ્યો હતો. ત્યાર બાદ મંદિરમાં આવીને દાનપેટીમાં રહેલા પૈસા ચોરી કર્યા હતા. અમે જાત્રાએ જવા પહેલાં દાનપેટીમાંથી પૈસા કાઢી લીધા હતા એમ જણાવતાં મંદિરના ૬૮ વર્ષના ટ્રસ્ટી રમેશ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારા જૈન મંદિરમાં અમે સુરક્ષાના દૃષ્ટિકોણથી ૧૩ સીસીટીવી કૅમેરા બેસાડ્યા છે. સ્ટેશન પરિસર હોવાથી મોટી સંખ્યામાં રાતના સમયે પણ અનેક લોકો આવતા-જતા હોય છે. કોરોના સમયે પણ જાળી તોડીને ચોર અંદર આવ્યો હતો, પરંતુ એ વખતે પણ ખાલી હાથે જ ગયો હતો. મોબાઇલની ચોરી થઈ છે એટલે અમે પોતાની વસ્તુઓ સંભાળવાનું પહેલાં જ કહીએ છીએ. આ વખતે પણ ચોરે આટલી જહેમત કરીને લોખંડની ગ્રિલ, દરવાજો તોડ્યો; પણ કંઈ મળ્યું નહીં. સમાજની જાત્રા હોવાથી થોડા દિવસ પહેલાં જ દાનપેટી ખોલી નાખી હતી અને ફક્ત ચિલ્લર ૧૦૦૦ રૂપિયા રાખ્યા હતા. એટલે ચોરી કરવા આવેલા ચોરને આ ચિલ્લર જ મળ્યું છે. આ વખતે ચોરે ચોરી કરવા પહેલાં સીસીટીવી કૅમેરાના વાયર કાઢી નાખ્યા હતા જેથી રેકૉર્ડિંગ થાય નહીં. ભગવાનની કૃપા છે કે ચોર ચોરી કરવા આવે છે, પણ ખાલી હાથે જ જાય છે. અમે ફરિયાદ વખતે પોલીસને પણ પૅટ્રોલિંગ કરવાની માગણી કરી છે.’

mumbai news mumbai gujarati community news jain community bhayander mumbai crime news