થાણેમાં ઘરના પંખામાં ભરાઈ ગયેલા ત્રણ ફુટ લાંબા સાપને બચાવી લેવાયો

26 August, 2024 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહુ સંભાળપૂર્વક બહાર કાઢી બચાવી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને જંગલમાં છૂટો મૂકી દેવાયો હતો

ફૅનમાં ભરાઈ ગયેલા સાપને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો, બચાવાયેલા ત્રણ ફુટ લાંબા સાપને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવાયો હતો.

થાણેના શ્રીનગરની એક સોસાયટીમાં રહેતા એેક પરિવારના ઘરમાં રવિવારે સાંજે સાપ ઘૂસી ગયો હતો. એને રેસક્વિન્ક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેરના વૉલન્ટિયર અમન સિંહ અને કુણાલ ઠક્કરે બચાવીને જંગલમાં છોડ્યો હતો. આ ઘટના વિશે માહિતી આપતા રેસક્વિન્ક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફના ફાઉન્ડર મેમ્બર પવન શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરના સભ્યોની એના પર નજર પડતાં બધા ગભરાઈ ગયા હતા અને ઘર બંધ કરીને બહાર નીકળી આવ્યા હતા. ત્યાર બાદ તેમણે અમને જાણ કરી હતી. અમારા બે વૉલન્ટિયર અમન સિંહ અને કુણાલ ઠક્કર ત્યાં પહોંચી ગયા હતા. એક કલાક સુધી તેમણે ફ્લૅટમાં સાપને શોધ્યો હતો. આખરે એ વૉલ માઉન્ટિંગ ફૅ‌નમાં છુપાયેલો મળી આવ્યો હતો. આખરે એને એમાંથી બહુ સંભાળપૂર્વક બહાર કાઢી બચાવી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને જંગલમાં છૂટો મૂકી દેવાયો હતો.’ 

mumbai news mumbai thane mumbai police environment