10 October, 2024 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ કદમ
નવી મુંબઈના એનઆરઆઇ સાગરી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ કદમની મંગળવાર સાંજે ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ ચાર લાખ રૂપિયાની લાંચ સ્વીકારતાં રંગેહાથ ધરપકડ કરી હતી. એનઆરઆઇ સાગરી પોલીસ-સ્ટેશનમાં બીજી ઑક્ટોબરે દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના ગુનામાં જામીન મેળવવામાં મદદ કરવાનું કહી આરોપી સતીશ કદમે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. અંતે ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ કદમના ઘરની નીચે ટ્રૅપ બેસાડી તેની ધરપકડ કરવામાં આવી હતી.
એનઆરઆઇ સાગરી વિસ્તારમાં થોડા વખત પહેલાં એક બિલ્ડિંગ ધરાશાયી થયું હતું, જેમાં ફરિયાદીના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પણ મદદ કરવાના નામે સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ કદમે આ પહેલાં બાર લાખ રૂપિયાની લાંચ લીધી હતી એવી માહિતી આપતાં ACBના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘બીજી ઑક્ટોબરે તળોજા જેલમાં બંધ એક ડેવલપર સામે છેતરપિંડીની ફરિયાદ એનઆરઆઇ સાગરી પોલીસ-સ્ટેશને નોંધાઈ હતી. આ કેસમાં મદદ કરવાના નામે જેલમાં બંધ આરોપીના પુત્ર પાસેથી સતીશ કદમે પાંચ લાખ રૂપિયાની માગ કરી હતી. આ કેસમાં વિગતવાર તપાસ કર્યા બાદ અમે મંગળવારે સાંજે સિનિયર ઇન્સ્પેક્ટરની તેમના ઘર નીચેથી રંગેહાથ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.’