17 September, 2024 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટના ગોરાઈમાં રહેતા ૬૧ વર્ષના સિનિયર સિટિઝન સાથે મહાનગર ગૅસ લિમિટેડ (MGL)ના નામે બોગસ મેસેજ મોકલીને ૩.૪૦ લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. તમારું ગૅસનું કનેક્શન અમે તાત્કાલિક કાપી રહ્યા છીએ એવો વૉટ્સઍપ પર મેસેજ કરી સાઇબર ગઠિયાએ ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન પૅકેજ (APK) ડાઉનલોડ કરાવી ફોન હૅક કરીને પૈસા ઉપાડી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ કોઈ પણ પ્રકારની APK ફાઇલ વિશે પૂરેપૂરી જાણકારી લીધા પછી જ એને ડાઉનલોડ કરવાની સલાહ પોલીસ તરફથી આપવામાં આવી છે.
સિનિયર સિટિઝનને APK ફાઇલ ડાઉનલોડ કરાવી તેમના મોબાઇલ ફોનનું ઍક્સેસ સાઇબર ગઠિયાએ પોતાની પાસે લઈ લીધું હતું એમ જણાવતાં બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે સિનિયર સિટિઝનને મોબાઇલ પર ‘પ્રિય ગ્રાહક, તમારું ગૅસનું કનેક્શન નવ વાગ્યે ડિસકનેક્ટ થઈ જશે’ એવો ટેક્સ્ટ-મેસેજ મળ્યો હતો. એ પછી થોડી વારમાં જ એક નંબર પરથી તેમને ફોન આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ MGLના ઑફિસર તરીકે આપીને જો કનેક્શન ચાલુ રાખવું હોય તો હું જેમ કહું છું એમ કરો એમ કહીને પ્લેસ્ટોર પર MGL બિલ અપડેટના નામે ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. જોકે એવી કોઈ ઍપ્લિકેશન સિનિયર સિટિઝનને ન મળતાં સાઇબર ગઠિયાએ વૉટ્સઍપ પર APK ફાઇલની લિન્ક મોકલી હતી જેને ખોલતાં એક ઍપ્લિકેશન સિનિયર સિટિઝનના મોબાઇલમાં ડાઉનલોડ થઈ ગઈ હતી. ત્યાર બાદ થોડી જ વારમાં તેમનાં બે ક્રેડિટ કાર્ડ અને એક બૅન્ક-ખાતામાંથી ૩,૪૦,૭૧૭ રૂપિયા ઊપડી ગયા હોવાનો મેસેજ મળતાં તેમને પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાઈ હતી એટલે તેમણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી.’