21 February, 2024 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજડા હાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં પોલીસે પાર્ક કરેલી ભંગારની ૨૫થી ૩૦ બાઇક, સ્કૂટી અને ચારથી પાંચ રિક્ષા સળગી ગયાં હતાં
હજી બે દિવસ પહેલાં જ બોરીવલીમાં એસ. વી. રોડ પર મંગલકુંજના પાર્કિંગ-લૉટમાં લાગેલી આગમાં અંદાજે ૧૫થી ૨૦ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં ત્યારે ગઈ કાલે એનાથી માંડ ૩૦૦ ફુટના અંતરે ફૅક્ટરી લેનમાં આવેલી બીએમસીની રાજડા હાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં પોલીસે પાર્ક કરેલી ભંગારની ૨૫થી ૩૦ બાઇક, સ્કૂટી અને ચારથી પાંચ રિક્ષા સળગી ગયાં હતાં. આગ કઈ રીતે લાગી એ જાણી શકાયું નહોતું.
ફાયર બ્રિગેડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર બપોરે ૧૨.૧૪ વાગ્યે આગ લાગ્યાનો ફોન તેમને આવ્યો હતો. તરત જ એક ફાયર એન્જિન અને એક જમ્બો વૉટર ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આ બાબતે બોરીવલીના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ શાહે કહ્યું હતું કે ‘લાંબા સમયથી એ ગ્રાઉન્ડમાં ભંગારનાં વાહનો પડી રહ્યાં હતાં. અમે હાલમાં ડીપ ક્લીનનું જે અભિયાન ચાલી રહ્યું છે એ હેઠળ એને આવરી જ લેવાના હતા અને એ ગ્રાઉન્ડ ક્લીન કરવાના હતા.’
બોરીવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીના એ ગ્રાઉન્ડમાં ભંગારનાં વાહનો રાખવામાં આવ્યાં હતાં. એમાં બીએમસી, ટ્રાફિક અને અમારા પોલીસના જૂના કેસનાં વાહનો હતાં અને એ બધાં ભંગાર થઈ ગયાં હતાં. જી૨૦ વખતે બીએમસીએ રસ્તા પર પડેલાં ત્યજી દેવાયેલાં વાહનો ઉપાડીને ત્યાં રાખ્યાં હતાં. ગઈ કાલે લાગેલી આગમાં કેટલાંક વાહનો બળી ગયાં છે.’
પોલીસે એના જૂના કેસનાં વાહનો રાખ્યાં હતાં એ બળી જાય તો શું એની કેસ પર અસર પડે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘એ જૂના કેસનાં વાહનો હતાં અને ભંગાર થઈ ગયાં હતાં. આવાં વાહનો પાછળથી કોઈ ક્લેમ પણ કરતું નથી. એની કેસ પર અસર થતી નથી.’