24 June, 2024 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રો
દહિસર-ઈસ્ટથી અંધેરી-વેસ્ટમાં ડી. એન. નગર સુધી દોડતી મેટ્રો-૨એ અને દહિસરથી અંધેરી-ઈસ્ટમાં ગુંદવલી સુધી દોડતી મેટ્રો-૭માં ત્રણ કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું છે. એ બન્ને લાઇન દોડાવતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઓથૉરિટી (MMRDA)ની પેટાકંપની મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL) દ્વારા એનાં વિવિધ કામો માટે બહારથી આઉટસોર્સિંગ કરવામાં આવ્યું છે. એના ઑપરેશન માટે ૫૦૦ જણના સ્ટાફ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં, જેનો કૉન્ટ્રૅક્ટ ડી. એસ. એન્ટરપ્રાઇઝિસને આપવામાં આવ્યો હતો. જોકે એના દ્વારા ૧૦ ટકા ઓછા સ્ટાફની પૂર્તિ કરાઈ, પણ સામે એને ચુકવણી પૂરા સ્ટાફ માટે કરવામાં આવતી હતી. એ પેમેન્ટ હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતું હતું. મેટ્રો-૨એ અને મેટ્રો-૭ જ્યારથી ચાલુ કરાઈ છે ત્યારથી દર મહિને ૧૦થી ૧૫ લાખ રૂપિયાની વધારાની ચુકવણી થતી હતી. આમ ત્રણ કરોડ રૂપિયાની ચીટિંગ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.
આ બાબતની જાણ થતાં MMRDAના કમિશનર ડૉ. સંજય મુખરજીએ MMMOCLના મૅનેજિંગ ડિરેક્ટર રૂબલ અગ્રવાલને આ બાબતે કાર્યવાહી કરવા કહ્યું હતું. તપાસ અંતર્ગત રાહુલ
આહિર નામના કર્મચારી દોષી જણાતાં તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ સંદર્ભે વધુ તપાસ ચલાવાઈ રહી છે.