18 May, 2024 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ (તસવીર : સમીર માર્કન્ડે)
અરવિંદ કેજરીવાલ શું બોલ્યા?
જેલમાંથી છૂટીને સીધો તમારી પાસે આવ્યો છું. જેલનો જવાબ મતથી આપો. ઝોળી ફેલાવીને હું દેશને બચાવવાની ભીખ માગું છું.
* દિલ્હીમાં ૭૦માંથી ૬૭ બેઠક પર અમે વિજય મેળવ્યા બાદ અમને હરાવી ન શકનારા અમારી સામે ખોટા કેસ નોંધીને જેલમાં નાખી રહ્યા છે.
લોકશાહીમાં જો જેલમાં નાખશો તો અમે જેલમાંથી સરકાર ચલાવીશું. દિલ્હીમાં ગરીબોનાં બાળકોને સારું શિક્ષણ આપવાનો નિર્ણય લેવાથી મને જેલમાં નાખવામાં આવ્યો.
મેં દિલ્હીમાં વીજળીનાં બિલ ફ્રી કર્યાં. કેન્દ્ર સરકારે દેશભરમાં અમારું અનુકરણ કરવું જોઈએ એને બદલે મારી ધરપકડ કરી.
બીજી જૂને હું ફરી જેલમાં જઈશ એમ આ લોકો કહે છે. મોદીને મત આપશો તો હું જેલમાં જઈશ અને અમને આપશો તો આઝાદ રહીશ.
મોદી ભારતને બંગલાદેશ અને પાકિસ્તાન બનાવવા માગે છે. ચૂંટણીના એક મહિના પહેલાં કૉન્ગ્રેસ પાર્ટીનું અકાઉન્ટ સીલ કર્યું, હવે અમારું અકાઉન્ટ સીલ કરવાની તૈયારી થઈ રહી છે.
ફરી મોદી સત્તામાં આવશે તો ઉદ્ધવ ઠાકરે, મલ્લિકાજુર્ન ખડગે, પ્રિયંકા ગાંધી જેલમાં જશે.
ઉદ્ધવ ઠાકરેને નકલી સંતાન કહ્યા. વડા પ્રધાનની આવી ભાષા હોય? આ મહારાષ્ટ્રનું અપમાન છે.
ઉદ્ધવ ઠાકરે શું બોલ્યા?
મુંબઈમાં ગુજરાતની કંપનીઓ દાદાગીરી કરે છે. હું બધા ગુજરાતીઓનો વિરોધી નથી. ગુજરાત પણ અમારું જ છે, પણ મોદીને લીધે બે-ચાર માલામાલ થયા છે તેઓ સુધરી જાય.મરાઠી માણસો તમને મુંબઈમાં પ્રવેશ નહીં આપે તો તમારા માટે દરવાજા બંધ થઈ જશે.
મુંબઈમાં મરાઠી, ગુજરાતી, હિન્દી, મુસલમાન એકસાથે રહે છે. તેમની વચ્ચે ખટરાગ ઊભો ન કરો.
કોરોનાનો સમય હજી હું ભૂલ્યો નથી. મેં નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફોન કરીને અહીં રહેતા ઉત્તર ભારતીય મજૂરોને વતન જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવાનું કહેલું. તેમણે મારી વાત ન સાંભળતાં બધા અહીં અટવાઈ ગયેલા. આ લોકો માટે અમે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી.
પ્રમોદ મહાજન ન હોત તો શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની યુતિ ન થાત અને પ્રમોદ મહાજન આજે જીવતા હો તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન ન બની શક્યા હોત.
બાળાસાહેબ ઠાકરેના પુત્રને નકલી સંતાન કહેનારાને મહારાષ્ટ્ર મત આપશે? કોઈ પણ સ્વાભિમાની શિવસૈનિક આ સહન ન કરે.
શરદ પવાર શું બોલ્યા?
લોકશાહીમાં માનનારા દેશમાં નરેન્દ્ર મોદી સરમુખત્યાર બનવા માગે છે. આથી જો તેઓ ફરી સત્તામાં આવશે તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ નહીં થાય એટલું જ નહીં, કદાચ લોકસભાની ચૂંટણીઓ પણ બંધ કરી દે.
મહારાષ્ટ્રમાં ૭૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી એની પાછળનું કારણ કેન્દ્રની મોદી સરકારનીકાંદાની નિકાસબંધી, સાકરના ભાવમાં નિયંત્રણ જવાબદાર છે. તેમને લીધે જ ખેડૂતોની હાલત પહેલાં કરતાં ખરાબ થઈ રહી છે.
મોદી કહે છે કે ભારતના ગરીબોને ૮૦ ટકા અનાજ ફ્રીમાં વહેંચવામાં આવ્યું. આ અનાજ પેદા કોણે કર્યું? સરકારે નહીં, ખેડૂતોની મહેનતથી આ શક્ય બન્યું છે. વડા પ્રધાન બધાની ક્રેડિટ લઈ રહ્યા છે, પણ ખેડૂતોને પૂછતા પણ નથી.
૪૦૦થી વધુ બેઠક મેળવીને આપણા બંધારણને બદલીને મનમાની કરવાના માગે છે. આથી મોદીને મત એટલે દેશને ખતમ કરવા બરાબર છે.