10 January, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકોને તેમની ચોરાયેલી માલમતા પાછી આપતી થાણે પોલીસ.
ભિવંડીમાં આવેલા સંપદા નાયક હૉલમાં મંગળવારે સાજે ભિવંડી પોલીસ વિભાગ તરફથી લોકોની ચોરાયેલી માલમતા પાછી આપવાના ક્રાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પોલીસે ભિવંડી અંતર્ગત આવતાં છ પોલીસ-સ્ટેશનના વિસ્તારોમાંથી ચોરાયેલા મોબાઇલ અને વાહનો સહિત દાગીના તથા રોકડ મળીને કુલ ૧.૪૩ કરોડ રૂપિયાની માલમતા પાછી આપીને નાગરિકોનું નવું વર્ષ સુધારી દીધું હતું. આ કાર્યક્રમમાં આશરે ૨૫૦ લોકો હાજર રહ્યા હતા.
લોકોને પોતાની ચોરાયેલી માલમતા પાછી મળતાં તેઓ ખુશ થયા હતા અને એની સાથે જ તેમનો પોલીસ પર વિશ્વાસ વધ્યો હતો એમ જણાવતાં ભિવંડી ઝોન ટૂના ડેપ્યુટી પોલીસ-કમિશનર મોહન દહિકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ સ્થાપના દિવસ અંતર્ગત થાણે વતી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ અંતર્ગત અમે ભિવંડી, શાંતિનગર, નારપોલી, કોનગાંવ, નિઝામપુરા, ભોઈવાડા પોલીસ-સ્ટેશનોની હદમાંથી ચોરાયેલી લોકોની માલમતા પાછી આપવા માટે એક કાર્યક્રમ યોજ્યો હતો. એમાં આશરે ૨૫૦ લોકોને તેમની ચોરાયેલી ૧.૪૩ કરોડ રૂપિયાની માલમતા અમે પાછી આપી હતી. એમાં સોના-ચાંદીના દાગીના, મોટરસાઇકલ, કાર સહિત રોકડા રૂપિયા પાછાં આપવામાં આવ્યાં હતાં.’