મુંબઈમાં અચાનક જ મંદિરો અને દેરાસરોની બહાર પોલીસ-બંદોબસ્ત કેમ ગોઠવાઈ ગયો?

28 September, 2024 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનું કારણ શહેરનાં ધાર્મિક સ્થળો પર આતંકવાદી હુમલો થઈ શકે છે એવી સિક્યૉરિટી એજન્સી પાસેથી મળેલી અલર્ટ છે. જોકે સાંજ પછી ઘણી જગ્યાએથી સિક્યૉરિટી પાછી ખેંચી લેવામાં આવતાં ધમકી આપનારો પકડાઈ ગયો હોવાની અટકળ વહેતી થઈ હતી

ગઈ કાલે ઝવેરીબજારમાં થોડા-થોડા અંતરે પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. તસવીર : આશિષ રાજે, ઘાટકોપર (વેસ્ટ)માં આવેલા મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસરની બહાર પહેરો ભરી રહેલી પોલીસ. તસવીર : પીયૂષ દાસ

સિક્યૉરિટી એજન્સીઓએ મુંબઈમાં ધાર્મિક સ્થળો પર આતંકવાદી હુમલો થઈ શકે છે એવી અલર્ટ મોકલાવ્યા બાદ ગઈ કાલે સવારથી જ મુંબઈમાં મંદિરો અને જૈનોનાં દેરાસરોની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરેક ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને તેમના ઝોનમાં આવતાં ધાર્મિક સ્થળોને પ્રોટેક્શન પૂરું પાડવાનું કહેવામાં આવ્યું હતું.

મોટા ભાગનાં મંદિરોમાં ગઈ કાલે સવારથી જ પોલીસના અધિકારીઓ પહોંચી ગયા હતા. જે જગ્યાએ સિક્યૉરિટી નહોતી આપી ત્યાં મંદિરના સંચાલકોને ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું હતું. કાંદિવલીની એક હવેલીના ટ્રસ્ટીએ કહ્યું હતું કે ‘પોલીસે અમારે ત્યાં આવીને અમુક ઇન્સ્ટ્રક્શન આપી હતી. તેમણે અમને મંદિરનો પૉકેટ-ગેટ જ ખુલ્લો રાખવાની સાથે આવતા-જતા લોકો પર ધ્યાન આપવાની તેમ જ બહારની ગાડીને અંદર નહીં આવવા દેવાની સૂચના આપી હતી.’

જે મંદિરોની બહાર પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા પહેલેથી ગોઠવ્યા છે ત્યાંની ગતિવિધિઓ પર તેમણે પોલીસ-સ્ટેશનમાંથી જ મૉનિ‌ટરિંગ કર્યું હતું. બોરીવલીમાં તો એકદેરાસરમાં ગઈ કાલે સવારે વ્યાખ્યાન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે એન્ટ્રી મારી હતી અને બંદોબસ્ત ગોઠવી દેતાં થોડી વાર માટે ભાવિકો પણ આ શું થઈ રહ્યું છે એને લઈને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. માટુંગા (સેન્ટ્રલ)માં તો ગઈ કાલે સવારથી જ મંદિરો બંધ કરાવી દેવામાં આવ્યાં હતાં. એવું પણ કહેવાય છે કે સિક્યૉરિટી એજન્સીને એક ઈ-મેઇલ મળી હતી જેમાં મુંબઈમાં ધાર્મિક સ્થાનો પર હુમલો કરવામાં આવશે એવું લખવામાં આવ્યું હતું.

ઘાટકોપરમાં તો નાનાં મંદિરોની બહાર પણ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે ગઈ કાલે સાંજ બાદ શહેરનાં જાણીતાં સિદ્ધિવિનાયક મંદિર, સ્વામીનારાયણ મંદિર, મુંબાદેવી મંદિરને બાદ કરતાં મોટા ભાગનાં મંદિરો અને દેરાસરોમાંથી સિક્યૉરિટી પાછી ખેંચી લેવામાં આવી હતી.

એક સિનિયર પોલીસ અધિકારીએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘ધમકીભરી ઈ-મેઇલ મોકલનારને નવી મુંબઈથી પકડી લેવામાં આવ્યો હોવાથી સિક્યૉરિટી પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે અમે તમામ ધર્મસ્થાનોને અલર્ટ પર રહેવા કહ્યું છે અને તેમને ત્યાં આવતી વ્યક્તિ અને ગાડીઓ પર નજર રાખવાનો પણ આદેશ આપ્યો છે. તહેવારોનો સમય હોવાથી અત્યારે અમે કોઈ ચાન્સ લેવા નથી માગતા.’

mumbai news mumbai mumbai police terror attack religious places ghatkopar jain community mumbai crime news