10 September, 2024 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં લેઝર બીમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લેઝર લાઇટ આંખમાં સીધી પડે તો ગંભીર ઈજા થઈ શકે છે. રવિવારે કોલ્હાપુરમાં ગણપતિબાપ્પાની મૂર્તિના સરઘસમાં લેઝર બીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લેઝરની તીવ્ર લાઇટ ડ્યુટી પરના કૉન્સ્ટેબલ યુવરાજ પાટીલની આંખમાં પડતાં એક આંખ લાલઘૂમ થઈ ગઈ હતી અને એમાંથી લોહી નીકળવા માંડતાં તેને હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આવી જ રીતે કોલ્હાપુરના ઉંચગાવમાં કરવીર તહસીલમાં લેઝર બીમનો પ્રકાશ આંખમાં પડતાં એક યુવકની આંખના રેટિનાને અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તહેવારના સમયમાં ડ્રમ બીટ્સની સાથે લેઝર લાઇટનો છેલ્લા કેટલાક સમયથી ઉપયોગ વધી રહ્યો છે. જોકે લેઝર બીમથી આંખને નુકસાન થાય છે. આંખના ડૉક્ટરોએ લેઝર બીમથી આંખના રેટિનાને ગંભીર અસર થાય છે એટલે લોકોએ એનો ઉપયોગ ન કરવો જોઈએ એવું સૂચન કર્યું છે.