28 January, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પચાસ ફુટ ઊંચાઈએ ઝાડના માંજામાં ફસાયેલા કબૂતરને બચાવી લેવામાં આવ્યું
મુંબઈ ઃ વિરાર-વેસ્ટમાં આવેલી ભાજી માર્કેટ વિદ્યાવિહાર સ્કૂલ પાસે ૫૦ ફુટની ઊંચાઈએ એક ઝાડ પર માંજામાં કબૂતર અટવાઈ ગયું હતું. લાંબા સમયથી માંજામાં અટવાયેલા કબૂતરની હાલત જોઈને સ્થાનિક લોકોએ ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિ અને વિરારના કરુણા ટ્રસ્ટના મિતેશ જૈનનો સંપર્ક કરીને માહિતી આપી હતી. એથી એક એક્સ્ટેન્શન પાઇપથી કબૂતરને કાઢવા માટે પ્રયાસ કરાયો હતો, પરંતુ ઊંચાઈ ઘણી વધારે હોવાથી ફાયર-બ્રિગેડને બોલાવવામાં આવી હતી. એમ છતાં કબૂતરને ત્યાંથી દૂર કરવામાં મુશ્કેલી આવી રહી હોવાથી મેટ્રિક વૅન (વૃક્ષ અથવા શાખા કાપવાનું વાહન) બોલાવવામાં આવી હતી.
જીવદયાપ્રેમી મિતેશ જૈને કહ્યું હતું કે ‘બે કલાકની મહેનત બાદ કબૂતરને સલામત રીતે નીચે લાવવામાં આવ્યું હતું અને સારવાર આપવામાં આવી હતી. તમામ જીવદયાપ્રેમીઓને વિનંતી કરવામાં આવે છે કે જો પક્ષી ઇલેક્ટ્રિક વાયર પર અટવાઈ જાય તો પાવર સપ્લાયર ઑફિસ અને ફાયર-બ્રિગેડને ફોન કરીને પાવર સપ્લાય બંધ કર્યા પછી જ પક્ષીને દૂર કરવું. માંજો કે લટકતા વાયરોને કારણે પક્ષીઓ ફસાઈ જતાં એમની પાંખો કપાઈ જતી હોય છે અને તેઓ જીવ પણ ગુમાવતાં હોય છે. એથી આસપાસ કોઈ માંજો દેખાય તો એને દૂર કરવો જરૂરી છે.’