બે વર્ષ પહેલાં વીર સાવરકર બદલ વાંધાજનક નિવેદન કરવા બદલ રાહુલ ગાંધીને હવે નાશિકની કોર્ટનું તેડું

02 October, 2024 08:48 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સાવરકર ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જીન છે.

રાહુલ ગાંધી

૨૦૨૨ના નવેમ્બર મહિનામાં વીર સાવરકર બાબતે વાંધાજનક નિવેદન કરવા બદલ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિરોધી પક્ષના નેતા રાહુલ ગાંધીને મહારાષ્ટ્રના નાશિકની ડિ​સ્ટ્રિક્ટ કોર્ટે સમન્સ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. નાશિક ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં ઍડિશનલ ચીફ જ્યુડિશ્યલ મૅજિસ્ટ્રેટ દીપાલી પરિમલ કડુસકરે ૨૭ સપ્ટેમ્બરે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા હતા, જેમાં લખવામાં આવ્યું છે કે દેશભક્ત વ્યક્તિના વિરોધમાં આપવામાં આવેલું નિવેદન પ્રથમ દૃષ્ટિએ અપમાનજક લાગી રહ્યું છે. સમન્સ મોકલવામાં આવ્યા છે એટલે કોર્ટ જ્યારે આગામી સુનાવણીની તારીખ જાહેર કરશે ત્યારે રાહુલ ગાંધીએ તેમના વકીલ સાથે હાજર રહેવું પડશે.

૨૦૨૨ના નવેમ્બર મહિનામાં રાહુલ ગાંધી હિંગોલીમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. ત્યાર બાદ તેમણે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સાવરકર ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જીન છે. જેલમાં હતા ત્યારે સાવરકરે બે હાથ જોડીને છોડવાની વિનંતી કરી હતી. બાદમાં બ્રિટિશ સરકાર માટે કામ કરવાની શરતે સાવરકરને જેલમાંથી છોડવામાં આવ્યા હતા.’

રાહુલ ગાંધીએ દેશભક્ત અને પ્રખર હિન્દુત્વવાદી નેતા વીર સાવરકરનું અપમાન કર્યું છે એટલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરતી અરજી નાશિકની કોર્ટમાં એક બિનસરકારી સંસ્થાએ દાખલ કરી હતી.

mumbai news mumbai nashik rahul gandhi congress Crime News rashtriya swayamsevak sangh