પેમેન્ટ ગેટવે કંપનીનું અકાઉન્ટ હૅક કરીને ૧૬,૧૮૦ કરોડ ઉપાડી લીધા

09 October, 2023 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર કંપનીના અકાઉન્ટને હૅક કરીને વિવિધ બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૬,૧૮૦ કરોડ રૂપિયાથી વધુનું ફન્ડ ઉપાડવાનો મામલો સામે આવ્યો છે. 

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર કંપનીના અકાઉન્ટને હૅક કરીને વિવિધ બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૬,૧૮૦ કરોડ રૂપિયાથી વધુનું ફન્ડ ઉપાડવાનો મામલો સામે આવ્યો છે. 
નૌપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ છેતરપિંડી લાંબા સમયથી થઈ રહી હતી. થાણે શહેરના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં એપ્રિલ ૨૦૨૩માં કંપનીના પેમેન્ટ ગેટવે અકાઉન્ટને હૅક કરીને ૨૫ કરોડ રૂપિયાની ઉઠાંતરીની ફરિયાદ નોંધાયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.’
પોલીસે વધુ તપાસ કરી ત્યારે ૧૬,૧૮૦ કરોડ રૂપિયાથી વધુના મેગા ફ્રૉડ વિશે જાણ થઈ હતી. થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ફરિયાદ બાદ નૌપાડા પોલીસે શુક્રવારે સંજય સિંહ, અમોલ અંડલે ઉર્ફે અમન, કેદાર ઉર્ફે સમીર દિઘે, જિતેન્દ્ર પાંડે અને અન્ય એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૪૦૯ (વિશ્વાસનો ફોજદારી ભંગ), ૪૬૭, ૪૬૮ (ફૉર્જરી), ૧૨૦-બી (ગુનાહિત કાવતરું) અને ૩૪ (સામાન્ય હેતુ) અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની જોગવાઈઓ હેઠળ એફઆઇઆર નોંધ્યો છે.
આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી અને વધુ તપાસ ચાલી રહી છે. એફઆઇઆર મુજબ આરોપી જિતેન્દ્ર પાંડેએ લગભગ આઠથી દસ વર્ષ સુધી બૅન્કોમાં રિલેશનશિપ ઍન્ડ સેલ્સ મૅનેજર તરીકે કામ કર્યું હતું. પોલીસને શંકા છે કે ઘણા સમયથી ચાલી રહેલા આ મેગા રૅકેટમાં ઘણા લોકો સંડોવાયેલા હોઈ શકે છે અને સમગ્ર ભારતની કંપનીઓ અને વ્યક્તિઓને નિશાન બનાવી શકે છે.
એફઆઇઆર મુજબ આ ગુનામાં હજારો બૅન્ક-ખાતાંને નિશાન બનાવવામાં આવ્યાં હોય અને પૈસા અન્ય કેટલાંક ખાતાંઓમાં ટ્રાન્સફર થયા હોય એવી શક્યતા છે. પોલીસની ટીમે આરોપીઓ પાસેથી નકલી ડૉક્યુમેન્ટ્સ પણ રિકવર કર્યા છે.

thane cyber crime mumbai news maharashtra news