07 February, 2024 07:10 AM IST | Mumbai | Priti Khuman Thakur
આ બાળકીને નાળામાં ત્યજી દેવામાં આવી હતી.
મલાડ-ઈસ્ટમાં આવેલા જિતેન્દ્ર રોડ પાસેના એક નાળામાં નવજાત બાળકીને એક પથ્થર નાખીને થેલીમાં ત્યજી દેવાઈ હતી. જોકે પપી જેવો અવાજ આવતો હોવાથી એક બિલ્ડિંગમાં સફાઈનું કામ કરતા ગુજરાતી સ્વીપરે સતર્કતા દાખવી સ્થાનિક જીવદયા સંસ્થાના સભ્યને આની જાણ કરી હતી. જીવદયા અભિયાન, મલાડ ફાઉન્ડેશનના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે શું છે એ સમજાયું નહીં. જોકે થેલીમાં જોયું તો એ પપી નહીં, પણ એક માનવજીવ હતો. લોહીમાં લથબથ નવજાત બાળકીને તરત જ પોલીસને જાણ કરીને મેડિકલ સારવાર આપવામાં આવી હતી. જોકે આ વિશે સોશ્યલ મીડિયા પર મેસેજ વાઇરલ થતાંની સાથે જ આ સંસ્થાના સભ્યોને બાળકી દત્તક લેવા માટે અસંખ્ય ફોન આવી રહ્યા છે.
મલાડ-ઈસ્ટમાં એક સોસાયટીમાં સ્વીપરનું કામ કરતા સંતોષ મકવાણાને નાળા પાસે પપી રડી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો હોવાથી તેણે જીવદયા અભિયાન, મલાડ ફાઉન્ડેશનના સભ્યોને ફોન કરીને જાણ કરી હતી. ત્યાર બાદ સંસ્થાના કાર્યકરો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે નાળામાં ઊતરીને જોયું તો એક થેલીમાંથી અવાજ આવી રહ્યો હતો અને એમાં થોડી હિલચાલ પણ થઈ રહી હતી. તેમને લાગ્યું કે કોઈ અમાનવીય દ્વારા ફેંકવામાં આવેલાં કૂતરાનાં ગલૂડિયાં હોવાં જોઈએ, પરંતુ થેલી ખોલવામાં આવી તો એમાં મોટા પથ્થરની સાથે નવજાત બાળકી મળી આવી હતી.
આ બનાવ વિશે વધુ માહિતી આપતાં જીવદયા અભિયાન, મલાડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી દર્શિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંતોષે તરત જ મદદ માટે જેએએમએફની હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો. અમને જાણ થતાં જ અમારા નજીકના સ્વયંસેવક બચાવ માટે સ્થળ પર પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમ સાથે સંતોષ એ થેલીને કાઢવા માટે નાળાની અંદર ગયો હતો. થેલીમાં જોતાં અમને આઘાત લાગ્યો હતો. થેલીમાં નાળ અને અસ્વચ્છ સ્રાવ સાથે જન્મેલા બાળકને ડુબાડીને મારવાના ઇરાદે ભારે પથ્થર નખાયો હતો. સર્વશક્તિમાન દૈવી સ્ત્રી માનવ-બાળકીને જીવદયા અભિયાન દ્વારા રેસ્ક્યુ કરાઈ હતી. તેને બચાવ્યા બાદ તરત જ અમે મુંબઈ પોલીસને જાણ કરીને બાળકીને દેસાઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. માનવદયા કરવામાં અમને સંતોષ મકવાણા, દેસાઈ હૉસ્પિટલ અને દિંડોશી પોલીસ-સ્ટેશનના અધિકારીઓની મદદ મળી હતી. માતાની જેમ સંભાળ રાખનાર દેસાઈ હૉસ્પિટલની નર્સોએ બાળકીનું નામ જીવિકા રાખ્યું હતું.’
જીવદયા અભિયાન, મલાડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી કુશલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર બાળકી વિશે માહિતી મળતાં તેને દત્તક લેવા માટે અમને ૧૫૦થી વધુ કૉલ આવ્યા છે. બાળકીને ચાઇલ્ડ વેલ્ફેરમાં મોકલી દેવામાં આવી છે. દિંડોશી પોલીસ આરોપી પેરન્ટ્સની તપાસ કરવા આસપાસના બધા સીસીટીવી ફુટેજ સહિત નર્સિંગ હોમમાં તપાસ કરી રહી છે.’