ખોરાકની શોધમાં નવ ફુટ લાંબો મગર મુલુંડની સોસાયટી સુધી પહોંચી ગયો

09 September, 2024 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતાં એક કલાકની જહેમત બાદ એને રેસ્ક્યુ કરીને નૅચરલ હૅબિટેટમાં મોકલી દેવામાં આવ્યો : તુલસી તળાવમાંથી બહાર નીકળીને નાળામાંથી એ નિર્મલ લાઇફસ્ટાઇલ સોસાયટી સુધી પહોંચ્યો હોવાની શક્યતા

મુલુંડ નિર્મલ લાઇફ સ્ટાઇલ સોસાયટી નજીક મળેલો મગર.

મુલુંડ-વેસ્ટમાં નિર્મલ લાઇફસ્ટાઇલ સોસાયટી નજીક ગઈ કાલે વહેલી સવારે આશરે ૯ ફુટ લાંબો મગર મળી આવતાં નજીકની સોસાયટીમાં રહેતા નાગરિકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક વૉચમૅને મગરને જોયા બાદ એની જાણ વનવિભાગના કન્ટ્રોલરૂમને કરતાં આશરે એક કલાકની જહેમત બાદ રેસ્ક્વિન્ક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW) અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી આ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ મગરની મેડિકલ તપાસ કર્યા બાદ એને ફરી તેના કુદરતી રહેઠાણમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

મગરની મેડિકલ ટેસ્ટમાં એ એકદમ ફિટ હોવાનું જાણવા મળતાં અમે એને કુદરતી રહેઠાણમાં છોડી મૂક્યો હતો એમ જણાવતાં RAWWના મેમ્બર કુણાલ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ-વેસ્ટમાં નિર્મલ લાઇફસ્ટાઇલ નજીકની એક સોસાયટીમાં એક વિશાળ મગર જોવા મળતાં ગઈ કાલે સવારે પાંચ વાગ્યે વનવિભાગના કન્ટ્રોલરૂમને અને અમને જાણ કરવામાં આવી હતી. આ માહિતીના આધારે અમે તાત્કાલિક ત્યાં પહોંચી એને કેવી રીતે રેસ્ક્યુ કરી શકાય એનું વનઅધિકારીઓ સાથે સંકલન કરીને બચાવકામગીરી શરૂ કરી હતી. આશરે એક કલાકની જહેમત બાદ નવ ફુટ લાંબા ભારતીય માર્શ મગરને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. ત્યાર પછી ડૉ. પ્રીતિ સાઠે અને ડૉ. કીર્તિ સાઠેના સહયોગથી મગરની તબીબી તપાસ કરવામાં આવી હતી. તેમણે આ મગર એકદમ ફિટ હોવાનું જણાવતાં ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે એને એના કુદરતી રહેઠાણમાં છોડી મૂકવામાં આવ્યો હતો.’

ખોરાકની શોધમાં મગર અહીં સુધી પહોંચ્યો હોઈ શકે એમ જણાવતાં કુણાલ ઠક્કરે વધુમાં કહ્યું હતું કે ‘મગર મળ્યો હતો એ વિસ્તાર સંજય ગાંધી નૅશનલ પાર્કની એકદમ બાજુમાં છે. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદમાં એવી શક્યતા છે કે તુલસી તળાવમાંથી બહાર ખોરાક ગોતવા નીકળેલો મગર નાળાના રસ્તે અહીં સોસાયટી સુધી પહોંચ્યો હશે, કારણ કે સોસાયટીની બાજુમાં એક બહુ જ મોટું નાળું છે. આ મગર ખૂબ જ મોટો હતો. જો સમયસર એની જાણ ન થઈ હોત તો એ કોઈકને નુકસાન કરત .’

mumbai news mumbai mulund brihanmumbai municipal corporation sanjay gandhi national park