26 July, 2024 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્ય ગોલ્ડ કંપનીએ આપેલી જાહેરાત.
ઇન્ડિડ જૉબ નામની વેબસાઇટ પર ડાયમન્ડ ફૅક્ટરીમાં પ્રોડક્શન મૅનેજર માટે જૉબની જાહેરાત આપવામાં આવી હતી. એમાં મરાઠી વ્યક્તિએ અરજી ન કરવાનું લખવામાં આવ્યું હોવાથી વિવાદ થયો છે. આ જાહેરાત સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો મરોલના MIDCમાં આવેલી ડાયમન્ડ ફૅક્ટરી આર્યા ગોલ્ડ કંપનીમાં પહોંચી ગયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ થયા બાદ કંપનીના માલિક બન્ટી રૂપરેનાએ રાજ ઠાકરે અને સંપૂર્ણ મહારાષ્ટ્રને સંબોધતું મરાઠીમાં લખેલું માફીનામું લખ્યું હતું કે ‘જૉબ માટેની જાહેરાત શિખાઉ કર્મચારીએ તૈયાર કરી હતી એટલે જાહેરાતમાં ભૂલથી નૉન-મહારાષ્ટ્રિયન લખાઈ ગયું હતું. આથી આવી ભૂલવાળી જાહેરાત અમે પોર્ટમાંથી હટાવી દીધી છે. અમારી કંપનીનો મહારાષ્ટ્રિયન કે અન્ય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો.’
MNS અને ઉદ્વવ ઠાકરે જૂથના કાર્યકરો આર્ય ગોલ્ડ કંપનીમાં પહોંચી જતાં અહીં કોઈ ગરબડ ન થાય એ માટે કંપનીની બહાર ૧૫૦ જેટલા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગિરગામની એક કંપનીએ પણ આવી જ જાહેરાત આપવાને લીધે વિવાદ થયો હતો.