ઝવેરીબજારમાં બૉમ્બ મુકાયો હોવાના સમાચારથી મુંબઈના લોકોમાં ફફડાટ

28 September, 2024 05:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ આ વાતને અફવા કહી રહી છે : તહેવારો હોવાથી સુરક્ષાનાં પગલાંરૂપે ગઈ કાલે ઝવેરીબજાર અને પાયધુનીના વિસ્તારો ઉપરાંત બીજાં ત્રણ સ્થળે પોલીસ તરફથી યોજાઈ મૉક ડ્રિલ, જેમાં જુહુના ઇસ્કોન મંદિરનો પણ સમાવેશ હતો

ગઈ કાલે ઝવેરીબજારના મુખ્ય રસ્તા પર મુમ્બાદેવી સુધી ફુલ સિક્યૉરિટી હતી અને બંધ જેવો માહોલ સર્જાયો હતો. તસવીર : આશિષ રાજે

સાઉથ મુંબઈના ઝવેરીબજારમાં બૉમ્બ મુકાયો હોવાના સમાચાર ગઈ કાલે સવારથી વહેતા થયા બાદ મુંબઈ પોલીસ દ્વારા યોજવામાં આવેલી મૉક ડ્રિલને કારણે ઝવેરીબજાર અને પાયધુનીની આસપાસ વિસ્તારોમાં જ નહીં, સમગ્ર મુંબઈમાં ફફડાટ ફેલાયો હતો. જોકે પોલીસ આ સમાચારને અફવા કહી રહી છે.

ઝવેરીબજારના એક વેપારીએ આ મામલાની સ્પષ્ટતા કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે હાજી અલીમાં બૉમ્બ મુકાયાના સમાચાર પછી અમને સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એક મેસેજ વાઇરલ થયો હતો કે મુંબઈ હાઈ અલર્ટ પર હોવાથી વેપારીઓએ અને તેમના ગ્રાહકોએ કોઈ પણ પ્રકારનાં વાહનો લઈને આવવું નહીં. એટલું જ નહીં; ક્રૉફર્ડ માર્કેટ, મોહમ્મદ અલી રોડ અને પાયધુનીની આસપાસના વિસ્તારોમાં પોલીસે પાર્કિંગ બંધ કરાવી દીધું હતું. આ સિવાય મુંબાદેવી મંદિરની આસપાસ બૅરિકેડ્સ વધારીને પોલીસફોર્સમાં પણ અચાનક બે દિવસથી વધારો કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોએ બૉમ્બ મુકાયાની વાતને વધારે પ્રસરાવી હતી. સોશ્યલ મીડિયામાં પણ આખા મામલાને જોરદાર ચગાવવામાં આવ્યો હતો એટલે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં ફફડાટ વધી ગયો હતો. મુંબઈભરમાંથી અને મુંબઈની બહારથી પણ લોકોના સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ પર મામલાની સત્યતા જાણવા માટે ફોન આવવા લાગ્યા હતા. આ અફવાથી ઘરાકી પર પણ અસર થઈ હતી. ગઈ કાલે બપોર સુધી ઘરાકીમાં મંદી હતી. પૅનિકના વાતાવરણમાં જે ઘરાકો આવતા હતા તેઓ પણ પહેલાં બૉમ્બનું શું થયું? મળ્યો કે નહીં? એવા સવાલો પૂછતા હતા.’

અત્યારે ન્યુ યૉર્કની ટૂર પર ગયેલા શ્રી મુંબાદેવી દાગીનાબજાર અસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી અનિલ જૈને ‘મિડ-ડે’ને આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘તમારો ફોન આવ્યા પછી તરત જ મેં પાયધુની અને એલ.ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરો સાથે વાતચીત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે બૉમ્બ મુકાયાની કોઈ ધમકી અમને મળી નથી, લોકોએ અને રહેવાસીઓએ આ અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી, આખા બનાવમાં કોઈએ પૅનિક થવાની જરૂર નથી. ગઈ કાલે જે મૉક ડ્રિલ હતી એ એક રૂટીન મૉક ડ્રિલ હતી. તહેવારોમાં સુરક્ષાનાં પગલાંરૂપે આવી મૉક ડ્રિલ થતી રહેશે. લોકોએ એમાં ડરવાની જરૂર નથી.’

પોલીસે શું કહ્યું?

ગઈ કાલે ઝવેરીબજાર અને આસપાસના વિસ્તારોમાં એક સામાન્ય મૉક ડ્રિલ હતી એમ જણાવતાં એલ.ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન તડખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હમણાં તહેવારો હોવાથી સુરક્ષા અંતર્ગત ગઈ કાલે પોલીસે મૉક ડ્રિલ કરી હતી. આથી અમે વેપારીઓ અને અન્ય લોકોને અપીલ કરી હતી કે એકદમ જરૂરી હોય તો જ બજારમાં વાહનોને લઈને આવજો. પોલીસને બૉમ્બની કોઈ ધમકી મળી નથી. બૉમ્બની ધમકીની વાત એ અફવા છે એટલે લોકોએ પૅનિક થવાની જરૂર નથી.’   આ સિવાય પોલીસે ભાઉચા ધક્કા, વડાલાના બરકત અલી રોડ અને જુહુમાં ઇસ્કૉન મંદિરમાં પણ મૉક ડ્રિલ કરવામાં આવી હતી.

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news south mumbai