મિશન વિધાનસભા

30 June, 2024 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના બે કેન્દ્રીય પ્રધાનોએ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી

દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર, એકનાથ શિંદે

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કારમો પરાજય મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહારાષ્ટ્રના પ્રભારી અને સહપ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવની નિયુક્તિ કરી છે. તેમણે ગઈ કાલે મુંબઈમાં મહારાષ્ટ્ર BJPના વરિષ્ઠ નેતાઓ સાથે પહેલી બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર સહિત પક્ષના ૩૦ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બેઠકમાં પ્રભારી અને સહપ્રભારીએ ત્રણેક મહિના બાદ યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સંબંધે તેમ જ શુક્રવારે જાહેર કરવામાં આવેલા બજેટ વિશે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં એકનાથ શિંદે અને અજિત પવાર સાથે હોવા છતાં મહારાષ્ટ્રની ૪૮માંથી મહાયુતિને માત્ર ૧૭ જ બેઠકમાં વિજય મળ્યો હતો; જ્યારે વિરોધ પક્ષમાં હોવા છતાં કૉન્ગ્રેસ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ને ૩૦ બેઠકો મળી હતી. આ પરિણામથી સત્તાધારી પક્ષ અને વિશેષ કરીને BJPને જબરદસ્ત આંચકો લાગ્યો છે. આ પરાજયને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવને મહારાષ્ટ્રની જવાબદારી સોંપી છે.

mumbai news mumbai eknath shinde devendra fadnavis bharatiya janata party maharashtra news