12 October, 2024 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બન્ને સેના વચ્ચે પોસ્ટર-વૉરઃ બાંદરા-ઈસ્ટમાં આવેલા કલાનગર સિગ્નલ પાસે બન્ને શિવસેનાએ આજની દશેરા-રૅલીનાં પોસ્ટર્સ લગાવતાં ફરી એક વાર તેમની વચ્ચે પોસ્ટર-વૉર જોવા મળી રહ્યું છે. (તસવીર -આશિષ રાજે)
ચૂંટણી જાહેર થવામાં છે ત્યારે વિજયાદશમી નિમિત્તે આજે રાજ્યમાં નેતાઓની સભાઓની ભરમાર : મુંબઈમાં એકનાથ શિંદે ને ઉદ્ધવ ઠાકરેનું શક્તિ પ્રદર્શન.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી રાજકીય વાતાવરણ ગરમ છે ત્યારે આજે આ વખતે દશેરાની સભાઓમાંની સંખ્યામાં વધારો થયો છે. અગાઉ મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં શાહી દશેરા સભા અને નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની દશેરાની સભા થતી. એ પછી દિવંગત શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની રાજકીય દશેરા સભાની શરૂઆત કરી હતી. આ પરંપરા કાયમ છે ત્યારે અઢી વર્ષ પહેલાં શિવસેનામાં ભાગલા થયા બાદ એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેના દ્વારા પણ દશેરાની સભાની પરંપરા કાયમ રાખી છે એટલે શિવસેનાની બીજી દશેરા સભા શરૂ થઈ હતી. આવી જ રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિવંગત નેતા ગોપીનાથ મુંડેએ બીડ જિલ્લામાં ભગવાન ગડમાં દશેરા સભાની શરૂઆત કરી હતી એ તેમનાં પુત્રી પંકજા મુંડેએ કાયમ રાખી છે.
એકનાથ શિંદેની શિવસેનાની આજે આઝાદ મેદાનમાં યોજાનારી દશેરા-રૅલીની ગઈ કાલે તડામાર તૈયારી ચાલી રહી હતી. તસવીર : અતુલ કાંબળે
દશેરા તહેવારની મોટી પરંપરા છે એટલે રાજ્યમાં મોટા ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. જોકે દશેરા નિમિત્તે રાજકીય સભાઓનાં આયોજન પણ કરવામાં આવે છે. પાંચ દશેરા સભાનું આયોજન વર્ષોથી થાય છે એમાં આ વખતે મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી માટે આંદોલન કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે પણ બીડના નારાયણ ગડમાં દશેરા સભાનું પહેલી વખત આયોજન કર્યું છે.
ગઈ કાલે દાદરના શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની દશેરા-રૅલીની તૈયારી કરી રહેલા કારીગરો. તસવીર - આશિષ રાજે
મુંબઈમાં શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની અને આઝાદ મેદાનમાં એકનાથ શિંદેની, કોલ્હાપુરમાં શાહુ છત્રપતિ મહારાજના શાહી પરિવારની દશેરા સભા, નાગપુરમાં રેશીબાગમાં RSS પ્રમુખ મોહન ભાગવતની સભા, બીડના ભગવાન ગડમાં પંકજા મુંડેની દશેરા સભાનાં આયોજન કરવામાં આવ્યાં છે.
રાજ ઠાકરે પૉડકાસ્ટથી સંવાદ કરશે આજે સાંજે
છ દશેરા સભાનું આજે સાંજે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે આજે સવારે દશેરા નિમિત્તે પૉડકાસ્ટ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી જનતા સાથે સંબોધન કરશે.