25 June, 2024 10:54 AM IST | Mumbai | Mehul Jethva
આરોપી મહેન્દ્ર ઉર્ફે ચેમ્બુર અન્ના
ડૉ. શ્રીપાલ શાહે ચેમ્બુરમાં પોતાના ક્લિનિકની બહાર કાર ઊભી રાખનારની ફરિયાદ કરી તો કારમાલિકના તડીપાર ફ્રેન્ડે ડૉક્ટરને ધમકી આપીને દંડના ૨૨૦૦ રૂપિયા ઝૂંટવી લીધા અને ક્લિનિકમાં નુકસાન પણ કર્યું: પોલીસે આરોપીની ધરપકડ કરી
ચેમ્બુર કૅમ્પમાં લાલ માટી ગાર્ડન નજીક ઓલ્ડ બૅરૅક પાસે હોમિયોપથિક ક્લિનિક ધરાવતા ૪૬ વર્ષના ડૉક્ટર શ્રીપાલ શાહે તેમના ક્લિનિકની બહાર ગેરકાયદે પાર્ક કરેલી કારની ફરિયાદ કરતાં ટ્રાફિક-પોલીસે કારના માલિકને દંડ કર્યો હતો. જોકે એનાથી ઉશ્કેરાયેલા મહેન્દ્ર લિંગપ્પા ઉર્ફે ચેમ્બુર અન્નાએ ડૉક્ટર પર હુમલો કર્યો હતો. ડૉક્ટરે જેની કારની ફરિયાદ કરી હતી તે મહેન્દ્રનો ફ્રેન્ડ હોવાથી તેણે ડૉક્ટરને ધમકી આપીને તેમના પર હુમલો કરી દંડના ૨૨૦૦ રૂપિયા જબરદસ્તી ઝૂંટવી લીધા હતા.
ડૉ. શ્રીપાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૭ જૂને સવારે હું મારા સાઈ ઇલેક્ટ્રો હોમિયોપથિક હેલ્થ કૅર સેન્ટર પર આવ્યો ત્યારે મારા ક્લિનિકની બહાર એક કાર પાર્ક થયેલી હતી. આ કાર સાંજે હું બહાર આવ્યો ત્યારે પણ ત્યાં જ ઊભી હતી. આ કાર વિશે આજુબાજુમાં પૂછપરછ કરી હતી, પણ કોઈ માહિતી ન મળતાં મેં 100 નંબર પર ફોન કર્યો હતો. થોડા સમય પછી ટ્રાફિક-પોલીસના ડ્યુટી-ઑફિસર આવ્યા અને કારને નો-પાર્કિંગમાં ઊભી રાખવા બદલ ફાઇન માર્યો હતો. બીજા દિવસે સવારે હું મારા ક્લિનિકમાં દરદીને કન્સલ્ટ કરી રહ્યો હતો ત્યારે મહેન્દ્ર ઉર્ફે ચેમ્બુર અન્ના નામનો ગુંડો ઘૂસી આવ્યો અને મને ગાળો આપવાનું શરૂ કર્યું. મેં તેને પૂછ્યું કે ‘શું થયું? તમે કેમ ગાળ આપી રહ્યા છો?’ એ સાંભળીને તે મારી કૅબિનમાં ધસી આવ્યો અને મને કહેવા લાગ્યો, ‘તૂ ઝ્યાદા શાના હો ગયા હૈ ક્યા? તેરે કો પતા નહીં મૈં કૌન હૂં. તેરી વજહ સે મેરે આદમી કો ચલાન ભરના પડા. તેરે કો તો ઇધર હી ખતમ કર દૂંગા...’ આટલું કહીને મારા શર્ટના ખિસ્સામાંથી તેણે ૨૨૦૦ રૂપિયા કાઢી લીધા. આ ઘટનાને લીધે હું બહુ જ ગભરાઈ ગયો છું. મારી અસિસ્ટન્ટ પણ નોકરી છોડીને જતી રહી છે. ત્યાર બાદ રાતે તેણે મારા ક્લિનિકનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. છેવટે અમુક લોકોએ હિંમત આપ્યા બાદ બુધવારે મેં તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’
આરોપી મહેન્દ્રની સામે આ પહેલાં ૧૦ કરતાં વધુ ફરિયાદ હોવાથી તેને તડીપાર કરવામાં આવ્યો છે એમ જણાવતાં ચેમ્બુરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ડૉક્ટરની ફરિયાદના આધારે અમે ફરી પાછી તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી રહ્યા છીએ.