૧૦૦૦ રૂપિયાનાં વડાપાંઉનો ઑર્ડર લેવામાં અઢી લાખ રૂપિયાના દાગીના ગુમાવ્યા

04 September, 2024 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલ બચ્ચન ગૅન્ગના કહેવાતા મેમ્બરે વાતોમાં ભોળવીને બોરીવલીના યોગેશ ભાનુશાલી પાસેથી ઘરેણાં પડાવી લીધાં

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી-વેસ્ટમાં ઓલ્ડ MHB કૉલોની નજીક વડાપાંઉનું કામ કરતા યોગેશ ભાનુશાલીને ગરીબોને દાન કરવા ૧૦૦૦ રૂપિયાનાં વડાપાંઉનો ઑર્ડર આપી વાતોમાં ભોળવીને એક ગઠિયાએ આશરે અઢી લાખ રૂપિયાના દાગીના પડાવી લીધા હોવાની ફરિયાદ MHB પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. દુકાને આવેલા ગઠિયાએ વડાપાંઉ લેવા આપેલા ૧૦૦૦ રૂપિયા સોનાની વસ્તુ નજીક રાખવાથી ફાયદો થશે એમ જણાવી યોગેશભાઈએ પહેરેલી ચેઇન અને પેન્ડન્ટ કઢાવીને છેતરપિંડી કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ કામ બોલ બચ્ચન ગૅન્ગનું છે જેણે મલાડ, બોરીવલી અને અંધેરી જેવા વિસ્તારોમાં આ રીતે અનેક લોકોને છેતર્યા છે એમ જણાવતાં MHB પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૧ ઑગસ્ટે યોગેશભાઈ બપોરે દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે એક યુવાને આવીને ૧૦૦૦ રૂપિયાનાં વડાપાંઉ જોઈતાં હોવાનું કહ્યું હતું. તેમણે એ આપવા માટેની તૈયારી બતાવતાં યુવાને કહ્યું કે તેણે કુર્લામાં નવી દુકાન ખોલી હોવાથી તેની ઇચ્છા છે કે તે ગરીબોને વડાપાંઉ ખવડાવે. એમ કહી ધીરે-ધીરે વાતોમાં ભોળવીને વડાપાંઉ લેવા માટે ૧૦૦૦ રૂપિયા એટલે કે ૫૦૦ રૂપિયાની બે નોટ તેણે આપી હતી. યોગેશભાઈ એ પૈસા કૅશ કાઉન્ટરમાં રાખવા ગયા ત્યારે યુવાને કહ્યું કે મેં આપેલા પૈસા સોનાની વસ્તુની નજીક રાખશો તો તમને ફાયદો થશે. તેની વાત પર વિશ્વાસ કરીને યોગેશભાઈએ પોતે પહેરેલી ચેઇન પૈસાને અડાડીને ગલ્લામાં રાખવા ગયા ત્યારે યુવાને કહ્યું કે તમારે આ પૈસા સોનાની નજીક ઓછામાં ઓછી ૩૦ મિનિટ રાખવા પડશે. તેણે એમ કહીને યોગેશભાઈએ પહેરેલી ચેઇન અને પેન્ડન્ટ કઢાવી પોતાના હાથમાં લઈ ૫૦૦ રૂપિયાની નોટ સાથે વીંટાળ્યાં હતાં અને એક થેલીમાં રાખીને એ થેલી યોગેશભાઈના હાથમાં આપી હતી. પછી તે યુવાન ત્યાંથી નીકળી ગયો હતો. થોડી વાર પછી યોગેશભાઈએ થેલી ખોલી ત્યારે એમાં ૫૦૦ રૂપિયાની નોટો અને દાગીના ન હોવાની જાણ થઈ હતી. અંતે પોતાના આશરે અઢી લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હોવાનું સમજાતાં આ ઘટનાની ફરિયાદ સોમવારે અમારી પાસે નોંધાવી હતી. આ કેસમાં અમે વધુ તપાસ શરૂ કરી છે.’

 

mumbai news mumbai borivali Crime News mumbai crime news