સિનિયર સિટિઝનને રિક્ષામાં બેસાડીને મોબાઇલ-પર્સ ઝૂંટવી લીધાં, ૨૦ મિનિટ રિક્ષામાં ફેરવીને પાછાં સોંપી દીધાં

23 October, 2024 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસનું માનવું છે કે આ પ્રૅન્ક માટે થયું હશે

પ્રતીકાત્મક તસવીર

થાણેના ઘોડબંદર રોડ પર હીરાનંદાની કૉમ્પ્લેક્સમાં રહેતા ૭૨ વર્ષના હસમુખ દવે શુક્રવારે સાંજે વૉક પર નીકળ્યા ત્યારે વાઘબીળ સર્કલ પાસે ત્રણ જણે તેમને જબરદસ્તી રિક્ષામાં બેસાડીને આશરે ૨૦ મિનિટ રિક્ષામાં ફેરવીને પર્સ અને મોબાઇલ છીનવી લીધાં, પણ થોડી વાર બાદ એ પાછાં આપી દીધાં એવી ફરિયાદ કાસરવડવલી પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. ઘટના બાદ હસમુખભાઈ ગભરાઈ ગયા હોવાથી તેમણે હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવી પડી હતી એટલું જ નહીં, અત્યારે પણ તેઓ ગભરાયેલી હાલતમાં જ છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે માત્ર પ્રૅન્ક માટે આવું કરવામાં આવ્યું હશે.

શુક્રવારની ઘટના બાદ પપ્પા ઘણા ગભરાઈ ગયા હતા, ધીરે-ધીરે અમે તેમને નૉર્મલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ એમ જણાવતાં તેમના દીકરા હિતેશ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે પપ્પા વાઘબીળ સર્કલ પાસેથી ફુટપાથ પરથી વૉક માટે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક રિક્ષા આવી હતી. રિક્ષામાંથી બે યુવકોએ ઊતરીને પપ્પાને જબરદસ્તી રિક્ષામાં બેસાડ્યા હતા. તેમણે પપ્પાને ગભરાવીને તેમનો મોબાઇલ અને પર્સ ઝૂંટવી લીધાં હતાં. એ પછી રિક્ષામાં ૨૦ મિનિટ ફેરવીને વાઘબીળ પાસેની પૂજા સોસાયટી પાસે તેમને ઉતારી દીધા હતા અને તેમનો મોબાઇલ અને પર્સ પાછાં આપી દીધાં હતાં. આ ઘટના બાદ પપ્પા ઘણા ગભરાયેલા રહે છે. એક-બે દિવસ તો તેઓ ગભરાયેલા હોવાથી અમે ફરિયાદ કરવા પણ નહોતા ગયા. એ પછી સોમવારે તેમને વિશ્વાસમાં લઈને ફરિયાદ નોંધાવવા પોલીસ-સ્ટેશન ગયા હતા.’

વાઘબીળ નજીક ફુટપાથ અને અંદરના રસ્તાઓ પર ઘણા યુવકો પ્રૅન્ક કરતા હોય છે. અમને શંકા છે કે કદાચ સિનિયર સિટિઝન પ્રૅન્કનો શિકાર બન્યા હશે એમ જણાવતાં કાસરવડવલીના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં બે વાર આવી ઘટના બની છે જેમાં પ્રૅન્કનો ભોગ બનેલા લોકો ફરિયાદ કરવા આવ્યા હતા. જોકે આ પહેલાં કોઈ ગુના રજિસ્ટર નથી થયા. હાલની ઘટનામાં તો અમને શંકા છે કે પ્રૅન્ક માટે જ આ ઘટના બની હશે.’

 બેથી ત્રણ અલગ-અલગ ઍન્ગલથી તપાસ હાથ ધરવામાં આવી છે. સિનિયર સિટિઝન પાસેથી કોઈ વસ્તુ લેવાઈ નથી છતાં અમે આ કેસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
- કાસરવડવલીના સિનિયર, પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ પાટીલ

mumbai news mumbai ghodbunder road thane crime thane mumbai police