ઘાટકોપરમાં બંધ સ્ટ્રીટ-લાઇટનો ફાયદો ઉઠાવીને ગુજરાતી મહિલાની ચેઇન ખેંચવામાં આવી

30 September, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસમાં નજીકના વિસ્તારોમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ પરથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટની નાયડુ કૉલોનીમાં રહેતાં ૬૧ વર્ષનાં લીના શાહની નાઇન્ટી ફીટ રોડ પર રેમન્ડ જંક્શન પાસે બે તોલાની ચેઇન ઝૂંટવાઈ હોવાની ફરિયાદ પંતનગર પોલીસ-સ્ટેશનમાં શનિવારે નોંધાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સ્ટ્રીટ-લાઇટ બંધ હોવાનો લાભ ઉઠાવી અંધારામાં ચેઇન-સ્નૅચિંગ કરવા આવેલા લૂંટારાએ લીનાબહેનના ગળામાંથી ચેઇન જોશભેર ખેંચી હતી જેને કારણે તેઓ ગંભીર રીતે જખમી થયાં હતાં. પોલીસે ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

લીનાબહેન પોતાની બહેનપણી સાથે તિલકનગરની હોટેલમાં જમ્યા પછી ઘરે  આવી રહ્યાં હતાં ત્યારે ચેઇન-સ્નૅચિંગની ઘટના બની હતી એમ જણાવતાં પંતનગરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે લીનાબહેન પોતાની એક ફ્રેન્ડ સાથે તિલકનગરની એક હોટેલમાં જમવા ગયાં હતાં. ત્યાંથી નીકળીને થોડેક સુધી ચાલ્યા પછી રિક્ષા ન મળતાં લીનાબહેને ચાલીને ઘરે જવાનું નક્કી કર્યું હતું. એ દરમ્યાન જ્યારે તેઓ રેમન્ડ જંક્શન નજીક પહોંચ્યાં ત્યારે એક યુવાન સામેથી આવ્યો અને લીનાબહેને ગળામાં પહેરેલી બે તોલાની ચેઇન જોશભેર ખેંચીને વલ્લભબાગ લેન તરફ નાસી ગયો હતો. આ ઘટનામાં ચેઇન ખેંચી હોવાથી લીનાબહેનને ગળામાં ઊંડા ઘા પડ્યા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાયાં હતાં. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું ડૉક્ટરે કહ્યું છે. આ કેસમાં નજીકના વિસ્તારોમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ પરથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai ghatkopar Crime News mumbai crime news