07 December, 2025 06:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દાદર સ્ટેશન પર શુક્રવારે સાંજે ૫૮ વર્ષના ઉમેશ શાહનો મોબાઇલ ચોરીને નાસી જવાનો પ્રયાસ કરનાર ૨૧ વર્ષના રાશિદ શેખની દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ધરપકડ કરી હતી. કર્જતમાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા ઉમેશભાઈ શુક્રવારે સાંજે પત્ની સાથે મલાડથી ઘરે પાછા ફરી રહ્યા હતા એ સમયે રેલવે-સ્ટેશન પર ભીડનો ફાયદો ઉઠાવીને રાશિદે તેમનો મોબાઇલ સેરવીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. મોબાઇલ ચોરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ઉમેશભાઈએ રાશિદનો ૭૦૦ મીટર દોડીને પીછો કર્યો હતો અને તેને પકડી પાડીને પોલીસને સોંપી દીધો હતો. આરોપી સામે મુંબઈનાં વિવિધ રેલવે-સ્ટેશનો પર ચોરીના ગુના નોંધાયા હોવાની માહિતી સામે આવી છે.
ઉમેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે પત્ની પ્રીતિ સાથે હું મલાડ માર્કેટમાં ખરીદી કરવા ગયો હતો. ખરીદી પૂરી થયા બાદ સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઘરે પાછા કર્જત જવા માટે મલાડ સ્ટેશનથી અમે દાદર રેલવે-સ્ટેશન પર આવ્યાં હતાં. ત્યાંથી વેસ્ટર્નમાંથી સેન્ટ્રલમાં આવવા માટે બ્રિજ પર ચાલી રહ્યાં હતાં ત્યારે પાછળના ખિસ્સામાં રાખેલો મોબાઇલ કોઈએ કાઢી લીધો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે મોબાઇલ નહોતો. તરત જ મેં પાછળ ફરીને જોયું ત્યારે એક માણસ મને જોઈને ગભરાયેલો જોવા મળ્યો હતો. તેણે જ મોબાઇલ લીધો હોવાની ખાતરી થતાં હું તેને કંઈ પૂછું એટલી વારમાં તો તે ત્યાંથી ભાગ્યો હતો. એટલે હું પણ તેની પાછળ દોડ્યો હતો. તેણે સેન્ટ્રલ સાઇડમાં બ્રિજથી નીચે ઊતરીને આગળ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં તેને પકડી પાડીને સ્ટેશન પર હાજર પોલીસના તાબામાં સોંપ્યો હતો. તેની પાસેથી મારો મોબાઇલ પણ મળી આવ્યો હતો.’
દાદર GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પાસેથી ચોરાયેલો મોબાઇલ મળી આવ્યો છે. તેણે મુંબઈનાં અન્ય રેલવે-સ્ટેશનો પર પણ આ રીતે ચોરી કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેની સામે અનેક ગુનાઓ નોંધાયા હોવાની જાણકારી પણ મળી છે.’