09 June, 2024 07:28 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચેમ્બુરના તિલકનગરમાં રહેતા ૪૭ વર્ષના કચ્છી વેપારીને અજાણ્યા યુવાને ફોન કરીને વૉટ્સઍપ પર અરેસ્ટ વૉરન્ટ મોકલ્યું હતું. ત્યાર બાદ સ્કાઇપ પર પોલીસ-યુનિફૉર્મમાં વિડિયો-કૉલ પર ધમકાવીને આઠ લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડી કરી હતી જેની ફરિયાદ તિલકનગર પોલીસ-સ્ટેશનમાં ૬ જૂને નોંધાઈ છે. વેપારીને પોલીસ-યુનિફૉર્મમાં વિડિયો-કૉલ કરનારા યુવાને બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ થઈ જશે એમ ધમકાવીને તમારા અકાઉન્ટમાં જેટલા પણ પૈસા હોય એ અમને મોકલી આપો, તપાસ કર્યા બાદ એ પૈસા તમને પાછા મોકલી આપવામાં આવશે એમ કહીને આઠ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
તમારા નામનાં તમામ મોબાઇલ સિમ-કાર્ડ બે કલાકમાં બ્લૉક થઈ જશે, કારણ કે તમારા નામે રહેલાં સિમ-કાર્ડથી હૅરૅસમેન્ટ અને ગેરકાયદે જાહેરાતો કરવામાં આવી રહી હોવાની ફરિયાદો અમને મળી છે એવું વેપારીને કહેવામાં આવ્યું હતું. આ માહિતી આપતાં તિલકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તિલકનગર કૉલોની નજીક રહેતા કચ્છી વેપારીને ૮ મેએ સવારે અજાણ્યા યુવાને ફોન કરી સિમ-કાર્ડ બ્લૉક થઈ જશે એમ કહીને અને તમારી સામે કોર્ટમાં બે ફરિયાદ નોંધાઈ છે એમ જણાવીને પ્લે-સ્ટોર પરથી સ્કાઇપ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. વેપારીએ એ ડાઉનલોડ કરતાં સામે પોલીસ-યુનિફૉર્મમાં એક યુવાન બેઠો હતો. તેણે વેપારીના નામનું અરેસ્ટ વૉરન્ટ દેખાડીને તમારી ધરપકડ કરવી પડશે કારણ કે તમારા પર મની લૉન્ડરિંગનો એક કેસ છે એમ કહીને તમારા ખાતામાં કેટલા પૈસા આવ્યા છે એની સંપૂર્ણ તપાસ કરવી પડશે અને આ કેસમાં તમારી બાકીની મિલકત પણ સીલ કરવી પડશે એવું કહેતાં વેપારી ગભરાઈ ગયો હતો. વેપારીને ગભરાયેલો જોઈને સાઇબર ગઠિયાએ કહ્યું કે તમારા બૅન્ક-ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા એની સંપૂર્ણ તપાસ કર્યા બાદ બે દિવસમાં પૈસા ફરી પાછા મોકલવામાં આવશે. વેપારીએ એટલે ગભરાઈને પોતાના અકાઉન્ટમાં રહેલા આઠ લાખ રૂપિયા સાઇબર ગઠિયાના બૅન્ક-અકાઉન્ટમાં મોકલી આપ્યા હતા.’
એ પછી પણ દસ લાખ રૂપિયા કોર્ટ-ફી તરીકે માગવામાં આવતાં વેપારીએ ઉધાર પૈસા લેવા મિત્રને ફોન કર્યો ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું એમ જણાવતાં એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઇબર ગઠિયાએ વધુ દસ લાખ રૂપિયા માગ્યા ત્યારે વેપારીના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા ન હોવાથી તેણે આ પૈસા લેવા માટે મિત્રને ફોન કર્યો હતો. ત્યારે પૈસા શા માટે જોઈએ છે એ મિત્રને કહેતી વખતે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. આ કેસમાં અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’