30 November, 2024 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ સહિત મહા વિકાસ આઘાડીમાં સામેલ ત્રણેય પક્ષોને જનતાએ નકારી દીધા છે. લોકસભાની ચૂંટણીમાં મોટો વિજય મેળવ્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થવાથી આ હારનું વિશ્લેષણ કરવાને બદલે કૉન્ગ્રેસે ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM) પર ઠીકરું ફોડ્યું છે. જોકે કૉન્ગ્રેસે કરેલા આંતરિક સર્વેમાં વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યું પરિણામ નહીં મળે એવું જણાઈ આવ્યું હોવાનું કૉન્ગ્રેસના જ એક નેતાએ કહ્યું છે.
કૉન્ગ્રેસના આ નેતાએ દાવો કર્યો છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીને એક મહિનો બાકી હતો ત્યારે રાજ્યની ૧૦૩ વિધાનસભા બેઠકમાં એક આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં લોકસભાની ચૂંટણીના હિસાબે મહા વિકાસ આઘાડીને ૫૪ બેઠકમાં સરસાઈ મળી હતી. એની સામે વિધાનસભાની ચૂંટણીમાં આમાંની ૪૪ બેઠક ગુમાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સર્વેમાં વિધાનસભાની ચૂંટણીમાં લાડકી બહિણ યોજના ગેમચેન્જર બનશે એમ ૮૨ ટકા લોકોએ કહ્યું હતું. આ સર્વે પરથી સ્પષ્ટ થાય છે કે વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને મહા વિકાસ આઘાડી કરતાં મહાયુતિનો હાથ ઉપર રહેશે. આમ છતાં કૉન્ગ્રેસ અને મહાયુતિ પરાજયનું ઠીકરું EVM પર ફોડી રહ્યાં છે. જોકે મહાયુતિનો આટલો મોટો વિજય થશે એવી કોઈને કલ્પના નહોતી.