મુંબઈમાં મરાઠીઓ માટે ૫૦ ટકા ઘર આરક્ષિત કરવાના કાયદાની જરૂર છે

25 June, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ પરબની માગણી

અનિલ પરબ

મુંબઈમાં મરાઠી માણસ ટકી રહેવા જોઈએ એ માટે શહેરમાં નવી બંધાઈ રહેલી ઇમારતોમાં તેમના માટે ૫૦ ટકા ઘર આરક્ષિત કરવાનો કાયદો લાવવાની જરૂર હોવાની માગણી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા અને મુંબઈ ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સીના ઉમેદવાર અનિલ પરબે ગઈ કાલે કરી હતી.

પ્રેસ-કૉન્ફરન્સમાં શિવસેનાના નેતાએ કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષથી માંસાહાર અને ધર્મના આધારે મકાનો મરાઠીઓને વેચવામાં નથી આવી રહ્યાં. આને લીધે મુંબઈમાં મરાઠીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈમાં મરાઠી માણસોને પરવડે એવા ભાવમાં ઘર બાંધવાની માગણી રાજ્ય સરકાર ચોમાસુ અધિવેશનમાં પૂરી કરશે એવી અપેક્ષા છે.’

ઉલ્લેખનીય છે કે પાર્લે પંચમ નામની સંસ્થાના પદાધિકારીઓએ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળીને મુંબઈમાં નવી બાંધવામાં આવતી ઇમારતોમાં બુકિંગ શરૂ થાય એના એક વર્ષ સુધી મરાઠીઓ માટે પચાસ ટકા ઘર આરક્ષિત રાખવામાં આવે એવી માગણી કરી હતી. હાઉસિંગ સોસાયટીઓમાં મરાઠીઓને મકાન ખરીદવાની ના પાડવામાં આવી હોય એવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આથી મરાઠીઓને ઘર ખરીદવામાં મુશ્કેલી થઈ રહી છે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ એમ પાર્લે પંચમ સંસ્થાના અધ્યક્ષ શ્રીધર ખાનોલકરે એ સમયે મુખ્ય પ્રધાનને કહ્યું હતું. 

mumbai news mumbai shiv sena uddhav thackeray