થાણેના જ્વેલર પાસે કામ કરતો સેલ્સમૅન તો રીઢો ચોર નીકળ્યો

11 June, 2024 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે શોરૂમમાંથી ૧.૩૦ કરોડ રૂપિયાના દાગીનાની ચોરી કરીને ભાગી ગયો હતો, પણ પોલીસે ૧.૨૬ કરોડના દાગીના સાથે તેની આબુથી કરી અરેસ્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

થાણેના નૌપાડામાં આવેલા જ્વેલરને ત્યાંથી ૧.૩૦ કરોડનાં ઘરેણાંની ચોરી કરીને નાસી ગયેલા  તેમના સેલ્સમૅનને પોલીસે તપાસ કરીને સોમવારે રાજસ્થાનના આબુથી ઝડપી લીધો હતો. તપાસમાં જણાઈ આવ્યું હતું કે તે રીઢો ચોર હતો અને આ પહેલાં પણ તેની સામે આ પ્રકારની ચોરીના કેસ નોંધાઈ ચૂક્યા હતા. પોલીસે ચોરાયેલા દાગીનામાંથી ૧.૨૬ કરોડના દાગીના પાછા મેળવી લીધા છે.

થાણેના નૌપાડામાં આવેલા જ્વેલરને ત્યાં સેલ્સમૅન તરીકે કામ કરતો ૨૯ વર્ષનો વિશાલસિંહ રાજપૂત ૧૧ મેએ શોરૂમમાંથી ૧.૩ કરોડ રૂપિયાનાં ઘરેણાં ચોરીને નાસી ગયો હતો. પોલીસ તપાસમાં શોરૂમના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતી વખતે જણાઈ આવ્યું હતું કે તેણે જ ચોરી કરી હતી. એટલું જ નહીં, તેણે સેલ્સમૅન તરીકેની જૉબ લેતી વખતે દુકાનમાં આઇડેન્ટિટી પ્રૂફ માટે આપેલા તેના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો પણ પાછા લઈ લીધા હતા.

પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં જણાઈ આવ્યું હતું કે થાણેના શોરૂમમાંથી ચોરી કરીને નીકળ્યા બાદ તેણે વસઈ હાઇવે સુધી પહોંચવા માટે ૧૦ જેટલી રિક્ષા બદલી હતી. એ પછી તેણે હાઇવે પરથી અમદાવાદ જતી બસ પકડી હતી. તે પોલીસની ધરપકડથી બચવા અવારનવાર જગ્યા બદલી નાખતો હતો. તે ગુજરાત અને રાજસ્થાનમાં અહીંથી ત્યાં નાસતો ફરતો હતો. આખરે વિશાલસિંહ આબુમાં હોવાની જાણ પોલીસને થઈ હતી અને સોમવારે તેને આબુથી પકડી લેવાયો હતો. એટલું જ નહીં, તેને કોર્ટમાં હાજર કરવામાં આવતાં ૧૨ જૂન સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

mumbai news thane thane crime mumbai rajasthan mumbai police