29 July, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલી
નવી મુંબઈના બેલાપુરની ૩૦ વર્ષની અક્ષતા મ્હાત્રે પર ૬ જુલાઈએ શિળફાટાના ગણપતિ મંદિરના ત્રણ પૂજારીઓ દ્વારા ગૅન્ગરેપ અને ત્યાર બાદ તેની હત્યાના કેસમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. નવી મુંબઈનાં ૨૯ ગામના લોકોએ અક્ષતાને ન્યાય મળે એ માટે એ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવે અને એ ત્રણે આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે એવી માગણી સાથે ગઈ કાલે વાશીમાં ‘જસ્ટિસ ફૉર અક્ષતા’ રૅલી કાઢી હતી. લોકોનો આક્રોશ અને કેસની ગંભીરતા જોઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હવે આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવે અને કેસના સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિયુક્તિ કરવામાં આવે એ મુજબની સૂચના થાણે પોલીસ, નવી મુંબઈ પોલીસ અને ગૃહખાતાના સચિવને આપી છે.
નવી મુંબઈના કોપરખૈરણેની ત્રણ ટાંકીથી વાશીના શિવાજી મહારાજ સ્ટૅચ્યુ સુધી આ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓએ આ રૅલીમાં ભાગ લીધો હતો. તેમણે હાથમાં પ્લૅકાર્ડ્સ રાખ્યાં હતાં જેમાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે એ મુજબની માગણી કરવામાં આવી હતી.
શું બન્યું હતું?
બેલાપુરમાં પતિ અને સાસુ-સસરા સાથે રહેતી અક્ષતાના ઘરમાં નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા એટલે તે ૬ જુલાઈએ શાંતિ મેળવવા ગણપતિ મંદિર ગઈ હતી. એ વખતે મંદિરના મુખ્ય પૂજારી વતન ગયા હોવાથી મંદિરનું કામ સંભાળવા રખાયેલા ત્રણ ટેમ્પરરી પૂજારીઓએ એકલી જોઈને તેને તેની જાણ વગર ભાંગ ખવડાવી બેહોશ કરી હતી અને પછી તેના પર વારાફરતી બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ પકડાઈ જવાના ડરે તેની હત્યા કરી હતી.
કેસના સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગૅન્ગરેપ અને હત્યાના આ ગંભીર ગુના સંદર્ભે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે, કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવે અને કેસના સરકારી વકીલ તરીકે ૨૬/૧૧નો કેસ લડેલા જાણીતા વકીલ ઉજ્જવલ નિકમની નિયુક્તિ કરવામાં આવે એવી સૂચના થાણેના પોલીસ-કમિશનર અને ગૃહખાતાના મુખ્ય સચિવને આપી છે. અક્ષતાની હત્યા શિળ-ડાયઘર પોલીસની હદમાં થઈ હતી એટલે આ કેસની તપાસ થાણે પોલીસ કરી રહી છે, જ્યારે અક્ષતા મ્હાત્રેનાં માતા-પિતા નવી મુંબઈમાં રહે છે. તેમણે પણ નવી મુંબઈ પોલીસમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.