વેપારીઓમાં ફફડાટ: રોકડા સાથે પકડાયા તો ફસાઈ ગયા સમજજો

03 April, 2024 07:11 AM IST  |  Mumbai | Rohit Parikh

૧૭ લાખ રૂપિયા સાથે ‍‘પકડાયેલા’ APMC માર્કેટના મુલુંડના ગુજરાતી વેપારી હેરાનપરેશાનઃ ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્કવૉડે શુક્રવાર રાતથી મંગળવાર સાંજ સુધી ભારે માનસિક ત્રાસ આપ્યો ઃ આખરે તેમના પોતાના જ બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવીને છોડ્યારોહિત પરીખ ro

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીની જાહેરાત ૧૬ માર્ચે થઈ ત્યારથી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. કાયદા પ્રમાણે જેનો ઉપયોગ મતદારોને પ્રભાવિત કરવા માટે થઈ શકતો હોય એવી રોકડ, દારૂ, ઝવેરાત અને અન્ય વસ્તુઓની હેરફેર માટે હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે; જેમાં કોઈ વ્યક્તિના વાહનમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધારે રોકડ રકમ, ડ્રગ્સ, દારૂ, શસ્ત્રો જેવી વસ્તુઓ મળી જાય તો એને ઇલેક્શન ક‌મિશનરની સ્ટૅટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વૉડની ટીમ જપ્ત કરી લે છે.

આ કાયદાને અંતર્ગત શુક્રવારે નવી મુંબઈની APMC માર્કેટના દાણાબજારના વેપારી બિઝનેસની ઉઘરાણીના ૧૭ લાખ રૂપિયા રોકડા લઈને મુલુંડ તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઇલેક્શન કમિશનનની ફ્લાઇંગ સ્ક્વૉડે વાશી ચેકનાકા પર તેમને રોકડ રકમ સાથે પકડ્યા હતા અને ગઈ કાલ સાંજ સુધી તેમને સવાલોના મારાથી માનસિક ત્રાસ આપીને આખરે તેમની નજર સામે જ તેમના બૅન્ક-અકાઉન્ટમાં એ રકમ ભરાવીને તેમને મુક્ત કર્યા હતા.

આ સમાચારથી દાણાબજારના વેપારીઓમાં જબરદસ્ત ફફડાટ ફેલાયો છે. વેપારીઓ કહે છે કે આવી જ હાલત રહી તો અમારે ચૂંટણી સુધી અમારા વેપારને બંધ કરીને ઘરે બેસવું પડશે, આ સિવાય અમારી પાસે કોઈ જ વિકલ્પ બચતો નથી.

આ વેપારીએ ચૂંટણીપંચના કડક નિયમોની અને એને કારણે તેમણે ભોગવેલા માનસિક ત્રાસની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસેથી રોકડ રકમ મળ્યા પછી અમને ફ્લાઇંગ સ્ક્વૉડ નજીકના પોલીસ-સ્ટેશનમાં લઈ ગઈ હતી, જ્યાં અમે તેમને અમારી રોકડ રકમનો પાઈ-પાઈનો હિસાબ બતાવ્યા પછી પણ રાતભર અલગ-અલગ અધિકારીઓ આવીને અમને શંકાની નજરે જોતા હતા અને અમને રોકડ રકમ માટે એકના એક સવાલો વારંવાર પૂછતા હતા. અમારી દાણાબજારમાં ત્રણ કંપનીઓ ચાલે છે. એ ત્રણેય કંપનીનાં બૅન્ક-સ્ટેટમેન્ટ જેમાં અમે રોજ સાત લાખ રૂપિયાથી વધુની રકમ ભરાવીએ છીએ એ બધી જાણકારી દસ્તાવેજો સાથે આપવા છતાં શુક્રવારે રાતથી શનિવાર રાત સુધી અમને બેસાડી રાખવામાં આવ્યા હતા. રવિવારે પણ સવારથી એ જ સવાલો અને એ જ દસ્તાવેજોની માગણી. અમે સાચા છીએ એમ તેઓ કહેતા જાય, પણ અમને અમારી રકમ પાછી આપીને ઘરે જવા દેતા નહોતા. સોમવારથી બૅલાર્ડ પિયરની ઇન્કમ ટૅક્સની ઑફિસમાં ફરીથી એ જ પૂછપરછ અને તપાસ. અમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે પણ બધા જ સવાલોની સ્પષ્ટતા આપી હોવા છતાં મામલાનો અંત આવતો નહોતો. આખરે ગઈ કાલે ફ્લાઇંગ સ્ક્વૉડના અધિકારીઓએ તેમની નજર સામે અમારી રોકડ રકમ અમારા બૅન્ક-ખાતામાં ભરાવીને અમને ઘરે જવા દીધા હતા.’

અમને કોઈએ હાથ નહોતો લગાવ્યો, પણ આટલા દિવસો તેમની નજર સામે ઑફિસમાં બેસાડી રાખવાથી અમે માનસિક ત્રાસમાંથી ચોક્કસ પસાર થયા છીએ એમ જણાવતાં આ વેપારીએ કહ્યું હતું કે ‘અમારો સંપૂર્ણ એક નંબરનો બિઝનેસ હોવા છતાં અને અમારી પાસે અમારી રોકડ રકમના સંપૂર્ણ હિસાબની માહિતી હોવા છતાં શુક્રવારે રાતથી મંગળવાર સાંજ સુધી અમે હેરાન થયા છીએ.’  

નવી મુંબઈની દાણાબજારમાં અનાજનો વેપાર હોવાને કારણે બધું જ કામકાજ કાયદેસર જ થાય છે એમ જણાવતાં ધ ગ્રેન રાઇસ ઑઇલ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી બજારમાં વેપારીઓનું  માર્ચ-એન્ડિંગને કારણે કામકાજ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. વર્ષ દરમ્યાનના બાકી હિસાબોની વસૂલાત અને દલાલી વગેરે ચુકવણી કરવાની હોવાથી વેપારીઓ પાસે રોકડ રકમ હોય એ સ્વાભાવિક છે. એ દરમ્યાન હાલમાં લોકસભાની ચૂંટણીને કારણે આચારસંહિતા લગાડવામાં આવી છે. આચારસંહિતા લાગુ કરાયા બાદ અમારા એક વેપારી પાસેથી લાખો રૂપિયાની રોકડ રકમ મળી એટલે તેની સાથે ફ્લાઇંગ સ્ક્વૉડના અધિકારીઓએ જે હેરાનગતિ કરી છે એનાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બધા જ વેપારીઓને અત્યારે ડર લાગી રહ્યો છે. અમે સરકારના આ નિયમનો સખત શબ્દોમાં ‌વિરોધ કરીએ છીએ. જો ચૂંટણીના સમયમાં આ રીતે જ કાયદાના નામ પર અધિકારીઓ વેપારીઓને હેરાન કરશે તો વેપારીઓ તેમનો વેપાર કેવી રીતે કરી શકશે. હાલમાં અનાજ બજારમાં સીઝનનો માહોલ છે, આવા સમયે વેપારીઓ પાસે રોકડ રકમ હોય તો એ બીજા દિવસે સવારે બૅન્કમાં જમા કરવા જાય ત્યાં સુધી એ રકમને તેમના ઘરે લઈ જતા હોય છે, તેમની પાસે આ સિવાય કોઈ ‌વિકલ્પ હોતો જ નથી. રાતે ઑફિસ કે ગોદામમાં રોકડ રકમ રાખવી સલામત નથી. APMC બજારમાં છાશવારે ચોરી થતી હોય છે, બજારની સિક્યૉરિટીનો કોઈ ભરોસો નથી. એવા સમયે જો અધિકારીઓ આ રીતે હેરાન કરે તો વેપારીઓ પાસે ચૂંટણી સુધી તેમનો વેપાર બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી.’

mumbai news mumbai navi mumbai Lok Sabha Election 2024 vashi