થાણેમાં ગુજરાતી યુવકે ૧૭મા માળેથી કૂદકો મારીને જીવ ગુમાવ્યો: આર્થિક અસ્થિરતાને લઈને ચિંતિત રહેતો હતો

18 May, 2023 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે-વેસ્ટમાં પોખરણ રોડ નંબર-બે પર આવેલા વસંત વિહારના સિદ્ધાચલ બિલ્ડિંગમાં રહેતા ૨૯ વર્ષના ધ્રુવ ચંદારાણા નામના એક અપરિણીત યુવકે ૧૭મા માળેથી ઝંપલાવીને જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

થાણેના વસંત વિહારના સિદ્ધાચલ બિલ્ડિંગમાં રહેતા ધ્રુવ ચંદારાણાએ ૧૭મા માળેથી પડતું મૂક્યું હતું.


મુંબઈ ઃ થાણે-વેસ્ટમાં પોખરણ રોડ નંબર-બે પર આવેલા વસંત વિહારના સિદ્ધાચલ બિલ્ડિંગમાં રહેતા ૨૯ વર્ષના ધ્રુવ ચંદારાણા નામના એક અપરિણીત યુવકે ૧૭મા માળેથી ઝંપલાવીને જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચિતલસર માનપાડા પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહનો કબજો લીધો હતો અને કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. 
ધ્રુવ સિદ્ધાચલ ફેઝ-૮માં માતા-પિતા સાથે રહેતો હતો. ધ્રુવ નજીકના એક કૅફેમાં કામ કરતો હતો.  ચિતલસર માનપાડા પોલીસે જણાવ્યું કે ‘બનાવ વખતે ધ્રુવના પિતા દેવદર્શન કરવા મહારાષ્ટ્રની બહાર ગયા હતા. મમ્મીને પૅરૅલિસિસ થયો હોવાથી તેઓ ઘરે જ હતાં. મમ્મીની તબિયત ખરાબ થતાં ધ્રુવને તેની વધુ ચિંતા હતી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તે માનસિક રીતે ડિસ્ટર્બ હોવાનું જાણવા મળ્યું હતું.’
ચિતલસર માનપાડા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અમિત વેંગુર્લેકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ધ્રુવ ઘણો શાંત-શાંત રહેતો હતો અને બ્રન્ચ બાર કૅફેમાં કામ કરતો હતો. છેલ્લા ૪-૫ દિવસથી તે ડ્યુટી પર જતો નહોતો. મમ્મીને પૅરૅલિસિસ છે અને તે ધ્રુવને કામ પર જવાનું કહેતી હતી, પણ તે જતો નહોતો. માનસિક તાણ વચ્ચે તેણે ૧૭મા માળના ઘરમાંથી ઝંપલાવીને સુસાઇડ કર્યું હતું. તેના ઘરમાંથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી.’

mumbai news thane