22 June, 2024 08:57 AM IST | Mumbai | Priti Khuman Thakur
સિનિયર સિટિઝન મંજુલા ઝાની ડેડ-બૉડી બે દિવસ વૃક્ષ નીચે દબાયેલી રહી હતી
વિરારમાં ભારે હવાને કારણે મોટું વૃક્ષ પડતાં એની નીચે સિનિયર સિટિઝન મહિલા મંજુલા ઝા દબાઈ ગયાં હતાં. તેઓ બે દિવસ વૃક્ષ દબાઈને મૃત્યુ પામ્યાં હતાં. બે દિવસથી તેઓ ગુમ હોવાથી તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. એ દરમ્યાન ગઈ કાલે સવારે આમલીના વૃક્ષ નીચેથી દુર્ગંધ આવતાં પોલીસે તપાસ કરી ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
વિરાર-વેસ્ટમાં પદમાવતીનગરના રિષભ ટાવરમાં ૭૦ વર્ષનાં મંજુલા ઝા ૧૨ દિવસ પહેલાં જ તેમના દીકરાના ઘરે આવ્યાં હતાં. સ્કૂલ શરૂ થઈ હોવાથી સવારના સમયે તેઓ પૌત્રને સ્કૂલમાં મૂકીને મંદિરમાં જતાં હતાં. મંદિરમાં ફૂલો ચડાવવા માટે તેઓ આસપાસના વિસ્તારમાંથી ફૂલો તોડતાં હોય છે. ૧૯ જૂનના બુધવારે તેઓ પૌત્રને હંમેશની જેમ સ્કૂલમાં મૂકવા માટે ગયાં હતાં. ત્યાર બાદ તેઓ ઘરે પાછાં ફર્યાં જ નહોતાં. તેમની કોઈ ભાળ મળી રહી ન હોવાથી પરિવારજનો સતત તેમને શોધી રહ્યા હતા. ત્યાર બાદ પરિવારે અર્નાળા પોલીસ-સ્ટેશનમાં તેઓ ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો.
પરિવારજનો સાથે પોલીસ પણ મંજુલાબહેનને શોધી રહી હતી ત્યારે તપાસમાં જાણ થઈ કે તેઓ મંદિરમાં ભગવાનને ફૂલ ચડાવવા માટે બોલિંજ નાકા પરિસરમાંથી ફૂલ લાવતાં હતાં. પોલીસે બોલિંજ નાકાના ભાગમાં તપાસ કરી તો આમલીનું મોટું વૃક્ષ નીચે પડેલું જોવા મળ્યું હતું. એથી પોલીસે ત્યાં શોધખોળ કરતાં દુર્ગંધ આવતી હતી. પોલીસે શંકાના આધારે વૃક્ષ દૂર કર્યું ત્યારે મંજુલા ઝાની ડેડ-બૉડી મળી આવી હતી. બુધવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે મંજુલા ઝા વૃક્ષની નીચે ઊભાં રહ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે તેઓ વૃક્ષ નીચે ઊભાં રહ્યાં હશે ત્યારે તોફાની વરસાદને કારણે વૃક્ષ પડી ગયું હોવાથી દુર્ઘટના બની હતી.