15 April, 2023 08:42 AM IST | Mumbai | Priti Khuman Thakur
મલાડના આપ્પાપાડામાં આગની દુર્ઘટનામાં કરિયાવર બળી ગયું હોવાથી નવ દીકરીઓને ૩૫થી વધુ વસ્તુઓ આપતાં તેઓ ભાવુક થઈ ગઈ હતી.
મુંબઈ ઃ મલાડના કુરાર વિલેજના આપ્પાપાડામાં ૧૩ માર્ચે લાગેલી ભીષણ આગ બાદ અહીંના રહેવાસીઓ કફોડી હાલતમાં રહેતા જોવા મળી રહ્યા છે. કુદરતી આફત હોય કે અકુદરતી આફત હોય, દેશના દરેક ઠેકાણે વિશેષ કરીને ગુજરાતી સંસ્થાઓ અથવા વ્યક્તિગત રીતે લોકો મદદ કરવા માટે આગળ આવે છે. આ વખતે પણ આગ લાગી એના બીજા દિવસથી કોઈ ને કોઈ ગુજરાતી સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે લોકો મદદે પહોંચીને ખાવાની વસ્તુઓ, કપડાં, ઘરવખરી વગેરે આપી રહ્યાં છે. જોકે ઘર વસવા પહેલાં જ લગ્નનો કરિયાવર આગની લપટોમાં ગુમાવી બેસેલી આપ્પાપાડાની યુવતીઓને ૩૫થી વધુ વસ્તુઓ ભેગી કરીને મંગળવારે આપવામાં આવી હોવાથી તેઓ ભાવુક થઈ ગઈ હતી. આ નવ કન્યાઓમાંથી પહેલીના આજે લગ્ન છે.
મલાડના આપ્પાપાડાની આગની દુર્ઘટનામાં છેલ્લા એક વર્ષથી દિવસ-રાત એક કરીને મહેનતથી ધીરે-ધીરે પોતાનાં લગ્ન માટેનો ભેગો કરેલો કરિયાવર ગુમાવનારી નવ દીકરીઓને કરિયાવરરૂપે ૩૫થી વધુ નાની-મોટી વસ્તુઓ આપવામાં આવી હતી. બાપા સીતારામ સેવા મંડળ – કાંદિવલી, એક સેવાભાવી બહેન અને અન્ય લોકોએ પણ સારી એવી મદદ મોકલી હોવાથી તેમનાં એપ્રિલ-મેમાં થનારાં લગ્નની ચિંતા હળવી થઈ હતી.
આગ લાગી ત્યારથી મદદ કરતા બીના કારિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું આગ લાગ્યા બાદ દરરોજ ત્યાં જતી હતી. દરમ્યાન જાણ થઈ કે દીકરીઓનાં લગ્ન માટે લીધેલાં કપડાંથી લઈને સોના-ચાંદીના દાગીના, રોકડ તથા અનેક વસ્તુઓ આગમાં ખાખ થઈ ગઈ હતી તેમ જ તેમનાં લગ્ન હવે એકદમ સાદગીથી કરવામાં આવશે. દીકરીઓએ પણ મનમાં તૈયારી રાખી હતી કે લગ્ન વખતે અમને કરિયાવર મળવાનું નથી. હું દરરોજ ત્યાં જતી એટલે મને એ વાત ધ્યાન આવી. પહેલાં હું ખાવા-પીવાની વસ્તુઓ આપવા જતી અને ત્યાર બાદ ધીરે-ધીરે આ દીકરીઓ માટે વસ્તુઓ ભેગી કરવાનું કામ ચાલુ કર્યું. મારા ઓળખીતાઓને વિનંતી કરી તો એવા અનેક લોકોએ ૫૦૦ રૂપિયાથી લઈને કુરતી, ડ્રેસ વગેરે આપ્યું હતું. એમાં બાપા સીતારામ સેવા મંડળ - કાંદિવલીના સંજયભાઈએ ખૂબ જ સહકાર આપ્યો અને અમે બધાએ મળીને નવ દીકરીઓને ૩૫થી વધુ વસ્તુઓ આપતાં તેમના મનમાં શાંતિ વળી છે. એક ઓળખીતાએ સારું કામ કરો છો એટલે ટેમ્પો વસ્તુ લઈ જવા કરી આપ્યો તો બીજાએ વસ્તુઓ આપવા તેમનો એક પાર્ટી-હૉલ થોડા સમય માટે આપ્યો હતો. ટીપે-ટીપે સરોવર ભરાય એવું અહીં જોવા મળ્યું હતું.’
આ વિશે વાત કરતાં બાપા સીતારામ સેવા મંડળ - કાંદિવલીના સંજય શુરૂએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બીનાબહેન સાથે સંપર્ક થયો અને તે લોકો દીકરીઓનાં લગ્ન માટે કંઈ કરી રહ્યા હોવાનું જણાયું હતું. અમારું મંડળ ઘરે-ઘરે રામધૂન કરે છે. એમાંથી જમા થયેલા પૈસાથી અમે દીકરીઓને જોઈતી વસ્તુઓ ભેગી કરી હતી. આગમાં દીકરીઓની સોના-ચાંદીની વસ્તુઓથી લઈને લગ્ન માટે જમા કરેલું બધું ગુમાવ્યું હતું. તેમનાં લગ્ન માથે છે અને હવે તેમનાં મા-બાપથી શક્ય નથી કે તેઓ કંઈ જમા કરી શકે. એથી અમે બધાએ ભેગા થઈને ૩૫થી વધુ વસ્તુઓ જમા કરી હતી. આપ્પાપાડાની નવ દીકરીઓને મા-બાપ બનીને કરિયાવર આપતાં અમે તો ભાવુક થયા, સાથે દીકરીઓ પણ ભાવુક થઈ ગઈ હતી.’
નવ દીકરીઓને આપેલું કરિયાવર
ત્રણ સાડી, એક ડ્રેસ, એક કુરતી-પૅન્ટ અને એક કુરતી, ૧૨ લેડીઝ રૂમાલ, બે નૅપ્કિન, એક ટુવાલ અને બે કૉટનના ટુવાલ, ત્રણ ઇમિટેશનના સેટ અને એક મંગળસૂત્ર, એક ડબલ બેડશીટ, એક બેડાનો સેટ, ત્રણ સેટ થાળી-વાટકા-ગ્લાસ-ચમચી, એક તાંબાનો લોટો, ચોખંડી દીવો, ચાંદીની પાયલ, એક પાયલ સાદી, ગળાની એક ચેઇન સાદી, કાનની બુટ્ટી, નાકની નથ, એક સૂટકેસ, એક ટ્રાવેલિંગ બૅગ, એક મેકઅપ બૉક્સ, એક નાઇટ-સૂટ, લિપસ્ટિક, નેઇલ-પૉલિશ, તોરણ, ગણપતિની મૂર્તિ, એક લેડીઝ પર્સ, માર્કેટ પર્સ, લેડીઝ નાઇટી વગેરે.