નાનું વેકેશન, મોટી ટ્રૅજેડી

30 April, 2023 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું બન્યું દિલની વાતને બદલે લોકોનું સાંભળીને રિવર રાફ્ટિંગ કરવા ગયેલા અને એમાં જીવ ગુમાવનાર કાંદિવલીના ગુજરાતી વેપારી સાથે : દિલનું સાંભળ્યું હોત તો આજે તેઓ જીવતા હોત : કુલુની બિયાસ નદીમાં રિવર રાફ્ટિંગ બની ગઈ તેમની છેલ્લી રાઇડ

હરેશ શાહ


મુંબઈ : હિમાચલ પ્રદેશના કુલુથી છ કિલોમીટરના અંતરે આવેલી બિયાસ નદીમાં રિવર રાફ્ટિંગ કરવા જતાં બોટ પલટી ખાઈ જવાથી કાંદિવલીમાં રહેતા ગાર્મેન્ટના ૬૧ વર્ષના વેપારીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના શુક્રવારે બની હતી. ત્યારે સાત લોકો બિયાસનાં મોજાં પર રાફ્ટિંગની મજા માણી રહ્યા હતા. પ્રવાસીઓએ બબેલી પૉઇન્ટથી રાફ્ટિંગની યાત્રા શરૂ કરી હતી અને છારુડુ પાસે આ અકસ્માત થયો હતો. ગઈ કાલે સવારે વેપારીની ડેડ-બૉડી મુંબઈમાં લાવીને સાંજે કાંદિવલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ખાટડીનિવાસી હાલ કાંદિવલી-વેસ્ટમાં પોઇસરમાં લેડી ફાતિમા રોડ પર સતગુરુ સીએચએસમાં રહેતા ૬૧ વર્ષના હરેશ નગીનદાસ શાહ પાંચ દિવસ પહેલાં પત્ની કિરણ સાથે હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની ટૂરમાં કુલુ-મનાલી ફરવા ગયા હતા. ચાર દિવસ અલગ-અલગ પૉઇન્ટ જોયા બાદ શુક્રવારે તેઓ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાથી છ કિલોમીટરના અંતરે આવેલી બિયાસ નદીમાં રિવર રાફ્ટિંગ માટે પહોંચ્યા હતા. પહેલાં તો તેમને રિવર રાફ્ટિંગ કરવા જવાની ઇચ્છા નહોતી, પરંતુ બીજા લોકોના કહેવા પર તેઓ તૈયાર થયા હતા. બબેલી પૉઇન્ટથી રાફ્ટિંગની યાત્રા શરૂ કરી હતી અને છારુડુ નજીક પહોંચતાં રાફ્ટ પથ્થર સાથે અથડાતાં પલટી ખાઈ ગઈ હોવાથી હરેશભાઈ પાણીમાં પડ્યા હતા. તેમને તરત જ બહાર કાઢીને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. એ પછી વાયા રોડ તેમની ડેડ-બૉડી દિલ્હી ઍરપોર્ટ સુધી લાવવામાં આવી હતી અને ત્યાંથી ફ્લાઇટ દ્વારા મુંબઈ લાવીને ગઈ કાલે સાંજે દહાણુકરવાડી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હરેશભાઈના ભત્રીજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હરેશભાઈ મંગલદાસ માર્કેટમાં કપડાંનો વ્યવસાય કરતા હતા. તેમનો પુત્ર હાર્દિક છેલ્લાં ૧૦ વર્ષથી નેધરલૅન્ડ્સમાં રહેતો હતો. તે મુંબઈ શિફ્ટ થવાનો હતો એટલે તેની દીકરીનું ઍડ્મિશન અહીં લીધું હતું. જોકે હાલમાં વેકેશન હોવાથી તેઓ ૧૫ દિવસ નેધરલૅન્ડ્સ ફરવા ગયા હોવાથી દંપતીએ વિચાર્યું હતું કે આપણે પણ નાનું વેકેશન એન્જૉય કરી આવીએ. એટલે તેઓ આઠ દિવસની ટ્રિપમાં કુલુ-મનાલી ગયા હતા. ત્યાં શુક્રવારે રિવર રાફ્ટિંગ માટે પહોંચ્યા ત્યારે પહેલાં હરેશભાઈએ જવાનું ટાળ્યું હતું. જોકે બીજા લોકોના આગ્રહ પર તેઓ ગયા ત્યારે આ ઘટના બની હતી. એમાં તેમનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પ્રાથમિક રિપોર્ટના આધારે તેમના શરીરમાં કોઈ પ્રકારની ઈજા નથી થઈ, પણ પાણી તેમના શરીરમાં ગયું હોવાથી તેમનું મૃત્યુ થયું હતું.’

mumbai news kandivli mehul jethva